Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

આવતા મહિને રાષ્‍ટ્રપતિની ચૂંટણીનું જાહેરનામુ : ગુજરાતના મતદારોના નામ મોકલાયા

૨૦૧૭માં રામનાથ કોવિંદને ૬૬ ટકા અને મીરાકુમારને ૩૪ ટકા જેટલા મત મળ્‍યા હતા : ગુજરાતમાં ૧૭૮ ધારાસભ્‍યો, ૩૭ સંસદ સભ્‍યો મતદાર : બેલેટ પેપરથી મતદાન : ‘નિશાન' કરવા ખાસ પ્રકારની પેનનો ઉપયોગ

રાજકોટ તા. ૨૫ : ભારતના રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની મુદત ૨૪ જુલાઇએ પૂરી થઇ રહી છે. નવા રાષ્‍ટ્રપતિની ચૂંટણી માટે કેન્‍દ્રીય ચૂંટણી પંચ અને તેના રાજ્‍ય એકમોએ તૈયારી શરૂ કરી દીધી છે. જૂનમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને જુલાઇમાં મતદાન થશે. ૨૦૧૭માં ૧૭ જેલાઇએ મતદાન અને ૨૦ જુલાઇએ મત ગણતરી થયેલ. રામનાથ કોવિંદને ૬૬.૫૫ ટકા અને તેમના પ્રતિસ્‍પર્ધી કોંગ્રેસના મીરાકુમારને ૩૪.૩૫ ટકા મત મળ્‍યા છે. આ વખતે રાષ્‍ટ્રપતિ બિનહરીફ ન ચૂંટાય તો મતદાન થશે. ગુજરાતના ચૂંટણી પંચના એકમે રાષ્‍ટ્રપતિની ચૂંટણીના મતદારોના નામ કેન્‍દ્રીય ચૂંટણી પંચને મોકલી દીધા છે. ચૂંટી પંચ સમગ્ર દેશના મતદારોની યાદી બહાર પાડશે.

રાષ્‍ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્‍યો, સંસદસભ્‍યો (લોકસભા - રાજ્‍યસભા બંને) મતાધિકાર ધરાવે છે. મતનું મૂલ્‍ય નિયત પધ્‍ધતિ પ્રમાણે નક્કી થાય છે. ગુજરાતમાં ધારાસભાની ૧૮૨ બેઠકો પૈકી ઉંઝા અને ભીલાડની બેઠક ધારાસભ્‍યના અવસાનના કારણે ખેડબ્રહ્માની બેઠક રાજીનામાથી અને દ્વારકાની બેઠક કાનૂની વિવાદના કારણે ખાલી પડી છે. લોકસભાની તમામ ૨૬ બેઠકો પર ભાજપના સભ્‍યો ચૂંટાયેલા છે. રાજ્‍યસભાની ૧૧ પૈકી ૩ બેઠકોમાં કોંગીના અને ૮ બેઠકોમાં ભાજપના સભ્‍યો ચૂંટાયેલા છે.

હાલની સ્‍થિતિએ ગુજરાતમાં ૧૭૮ ધારાસભ્‍યો અને ૩૭ સાંસદો મતદાન કરી શકશે. ગાંધીનગરમાં બેલેટ પેપરથી મતદાન વ્‍યવસ્‍થા ગોઠવાશે. મતના નિશાન માટે ખાસ પેન વપરાશે. સાંસદો ઇચ્‍છે તો અગાઉથી નક્કી કરીને ગાંધીનગરના બદલે દિલ્‍હીમાં પણ મતદાન કરીશકે છે.

(1:14 pm IST)