Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જેલમાં ચાલેલા સર્ચ ઓપરેશનનો રિપોર્ટ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સોંપયો

સમગ્ર દેશમાં કદાચ સૌ પ્રથમ વાર રાજ્યભરની જેલોમાં એક સાથે મેગા સરપ્રાઈઝ ચેકીંગ થયાની ઘટના બની: 1700 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ એક સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા

ગાંધીનગર: રાજ્યમાં ગત રાત્રિથી જેલમાં શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનનો રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટ સોંપવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તમામ અહેવાલ મુખ્યમંત્રીને  સોંપવામાં આવ્યો હતો.

આ બેઠકમાં  જેલમાં પાડવામાં આવેલા દરોડા અંગે  ચર્ચા  કરવામાં આવી હતી અને  દરોડાનો તમામ રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો હતો.

નોંધનીય બાબત છે કે, સમગ્ર દેશમાં કદાચ સૌ પ્રથમ વાર રાજ્યભરની જેલોમાં એક સાથે મેગા સરપ્રાઈઝ ચેકીંગ થયાની ઘટના બની હશે, જેમાં 1700 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ એક સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા.

 

 

રાજ્યની 17 જેલોમાં એકસાથે એક જ સમયે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.  પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન અનેક પ્રતિબંધિત વસ્તુઓ તથા નશાકારક પદાર્થો મળી આવ્યા છે. ખાસ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરતા હોય ને પળે પળની ઓપરેશન સંબંધિત અપડેટ મેળવતા હોય. એટલું જ નહિ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ગૃહ વિભાગ તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા હોય.

રાજ્યની દરેક જેલમાંથી જેલ પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબૂદ કરવા માટે કડક કામગીરી હાથ ધરવા ઉપરાંત રાજ્યની તમામ જેલોમાં માનવ ગરિમા જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાનું સુચારુ પાલન થાય તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત જેલમાં રહેલા કેદીઓને મળવાપાત્ર તમામ જરૂરી સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવા આ મેગા સરપ્રાઈઝ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

આ સમગ્ર કામગીરી દરમિયાન માનવીય અભિગમ રાખી કેદીઓ સાથે વાર્તાલાપ કરી પોલીસની ટીમો દ્વારા તેમનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું.

(7:48 pm IST)