Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

નર્મદા જિલ્લાની મતદાર યાદીમાં આશરે ૧૦૫ જેટલા શતાયુ મતદારો અને તેથી વધુ વયના મતદારો નોંધાયા છે

આયુષ્યની સદી ફટકાર્યા પછી પણ અણનમ રહેનારા વડીલ-બુઝૂર્ગ મતદારો મતદાનથી વિમુખ રહેતા સશક્ત મતદારોને મતદાન માટે ચીંધે છે પ્રેરક રાહ:જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા શતાયુ મતદારોની કરાશે પૃચ્છા અને લેવાશે આદરભરી કાળજી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ભૂતકાળની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારીમા સમગ્ર ગુજરાતમા નર્મદા જિલ્લો મોખરે રહ્યો છે. આ જિલ્લામાં શતાયુ અને તેથી વધુ વયના જાગૃત મતદારો અને દિવ્યાંગ મતદારોની મતદાન માટેની તત્પરતા અને જાગૃત્તિને લીધે નર્મદા જિલ્લાની મતદાનની ટકાવારીની વુધ્ધિમાં પણ વિશેષ યોગદાન રહ્યું છે, ત્યારે આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી-૨૦૨૧ ના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત, પાંચેય તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે નર્મદા જિલ્લાની મતદાર યાદીમાં આયખાની સદીએ પહોચેલાં અને તેથી પણ વધુ વયની જિંદગીનું અણનમ બેટીંગ કરતાં આશરે ૧૦૫ જેટલા વડીલ-બુઝૂર્ગ મતદારો નોંધાયા હોવાની જાણકારી જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થઇ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, બા-દાદા મતદારોની આ વડીલજન સુચિમાં દેદીયાપાડા તાલુકાના સોલીયા ગામના ૧૧૫ વર્ષની વયના દાદીમાં ચંપાબેન પારસીંગભાઇ વસાવા મોખરે છે. આમ, આ શતકવીર મતદારો પણ નર્મદા જિલ્લાની મતદાર યાદી શોભાવી રહયાં છે.આ બા-દાદા સમાન મતદારોની આદરભરી કાળજી લેવાનો અને જે તે વિસ્તારના BLO ના માધ્યમથી આવા મતદારોને મતદાન માટે જરૂરી સહાયરૂપ થકી તેમનું મતદાન સુવિધાપૂર્ણ બનાવી જિલ્લામાં મહત્તમ મતદાન માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી.એ.શાહના દિશા- નિર્દેશથી જિલ્લા ચૂંટણીતંત્રએ સંકલ્પ કર્યો છે.

 આમ જિલ્લાના વડીલ મતદારોની આ દરકાર થકી જિલ્લા ચૂંટણીતંત્ર યુવા મતદારોને તેમનાં નામ મતદાર યાદીમા નોંધાવવામાં આળસ ન કરવાની સાથે વડીલજનોનાં સામાજિક સન્માનનો સંદેશો પણ આપશે.નર્મદા જિલ્લા ચૂંટણીતત્ર દ્વારા મતદાર યાદીનીઅદ્યતનીકરણની થયેલી કામગીરી સંદર્ભે તા.૦૧/૦૧/૨૦૨૧ ની સ્થિતી મુજબ જિલ્લાની મતદાર યાદીમા નોંધાયેલા આશરે-૧૦૫ જેટલા શતાયુ મતદારોમાં રાજપીપલા શહેરમાં-૦૮, નાંદોદ માં-૧૪, ગરૂડેશ્વરમાં- ૧૪, તિલકવાડામાં-૦૬, દેડિયાપાડા માં-૪૫. અને સાગબારા તાલુકામાં-૧૮ જેટલા મતદારોની નોંધણીનો સમાવેશ થાય છે.

 જિલ્લાનાં આ ૧૦૫ શતાયુ મતદાર યાદીના આ શતકવીર વડીલજનોમાં ૫૬ મહિલાઓ અને ૪૯ પુરુષો છે જેનાથી એવો સંદેશો મળે છે કે, સમાજમાં માતૃ શક્તિની યોગ્ય કાળજી લેવામા આવે તો “મા” ની મમતા એકથી વધુ પેઢીઓ માણી શકે છે. નાંદોદ તાલુકાના રસેલાના વતની ૧૦૨ વર્ષીય મણીબેન ગેમલસિંહ જાદવ કહે છે કે, તેમના પુત્રની સહાયથી દર વખતે અચૂક મતદાન કરવા જાય છે. જ્યારે ગરૂડેશ્વર તાલુકાના ગુલવાણી ગામના ૧૦૩ વર્ષીય લાડકીબેન નાગજીભાઇ તડવી કહે છે કે, દેશની આઝાદી બાદ ૧૯૫૧-૫૨ થી આજદિન સુધી યોજાયેલી ગ્રામપંચાયતથી લઇને વિધાનસભા-લોકસભાની  તમામ ચૂંટણીઓમાં અચૂક મતદાન કર્યું છે.

  દેડીયાપાડા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં ગુલ્દાચામ ગામના વતની રહેતા ૧૧૪ વર્ષીય સુકલીબેન નવલભાઇ વસાવા તેમનાં નબળાં સ્વાસ્થ્યને લીધે સરળતાથી બોલી શકતા નથી પરતું તેમના દિકરાની વહુ કપિલાબેન વસાવા જણાવે છે કે, તેમની સાસુમાએ દરેક ચૂંટણીઓમાં મતદાન તો કર્યું જ છે, પણ તેની સાથોસાથ અમારા સમગ્ર પરિવાર દ્વારા અચૂક મતદાન થાય તેની પણ હરહંમેશ તેમણે કાળજી રાખી છે. તેવી જ રીતે ગાજરગોટા ગામના ૧૦૭ વર્ષીય વડીલ ડુંગરીયાભાઇ પાંચીયાભાઇ વસાવા કહે છે કે, મતદાનના મહાપર્વમાં તેમની મોટી ઉંમર હોવા છતાં પણ મતદાન કરવાનું તેઓ ક્યારેય ચૂક્યા નથી.

 આમ, વિશ્વની સૌથી મોટી ભારતદેશની લોકશાહીના જતન અને સંવર્ધન માટે જિલ્લાના આ શતાયુ મતદારોની સાથોસાથ પોતાના આયખાના નવ દશકા વટાવીને શતાયુની આરે લગોલગ પહોચેલાં અન્ય વડીલ, બુઝુર્ગ મતદારો આ વખતની ચૂંટણીમાં પણ મતદાન માટે પૂરી તત્પરતા સાથે સંકલ્પબધ્ધ બન્યા છે, ત્યારે મતાધિકાર ધરાવતા પ્રત્યેક મતદારને તેમના મતાધિકારનો અચૂક ઉપયોગ કરીને મતદાનની પવિત્ર ફરજ અદા કરવાનું લોકશાહીના આ સૈનિકોએ આહવાન કર્યું છે.

(10:42 pm IST)
  • ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીનું પ્રત્યાર્પણ થશે કે નહીં : લંડન કોર્ટ આપશે ચુકાદો :લંડનની વેડ્સવર્થ જેલમાં બંધ નીરવ મોદી પંજાબ નેશનલ બેન્કના 12 હજાર કરોડના કૌભાંડનો આરોપી : લંડનના વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ સમક્ષ જેલથી વિડિઓ કોલિંગ મારફત સુનવણી થશે access_time 12:32 am IST

  • પ્રયાગરાજમાં પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને પોલીસે દોડાવી -દોડાવીને માર્યા : ધરણા સ્થળ છાવણીમાં તબદીલ :એકાદ ડઝન છાત્રોની અટકાયત :નોકરીની માંગ કરતા વિદ્યાર્થીઓને પોલીસે માર્યા :ખાલી પડેલા સેંકડો પદોપર ભરતીની માંગ સાથે વિધાર્થીઓ રસ્તા પર ઉતર્યા access_time 12:37 am IST

  • શેરબજારમાં ટનાટન તેજીઃ નીફટી ૧પ૧પ૦ ઉપર : સેન્સેકસ પ૧રપ૦ ઉપર : શેર બજારમાં તેજીનો માહોલ ર.૩૦ કલાકે સેન્સેકસ ૪૮૮ પોઇન્ટ વધીને પ૧ર૭૦ અને નીફટી ૧૭પ પોઇન્ટ વધીને ૧પ૧પ૭ ઉપર ટ્રેડ કરે છે રિલાયન્સ ૪ ટકા ઉંચકાયો access_time 12:42 pm IST