Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અમદાવાદની સિમ્સ હોસ્પિટલના લાંચમાં વચેટિયાની ભૂમિકા ભજવવાના કેસમાં ડો. નરેશ મલ્હોત્રાના જામીન કોર્ટે ફગાવ્યા

દર્દીઓના રૂ.1.50 કરોડના બિલ પાસ કરાવવા ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર અરવિંદ પટેલ વતી બિલની રકમના 10 ટકા (15 લાખ)ની લાંચની માંગણી

અમદાવાદની સિમ્સ હોસ્પિટલના બિલો પાસ કરવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર વતી લાંચ માંગીને વચેટીયાની ભૂમિકા ભજવવાના કેસમાં આરોપી ડો. નરેશ મલ્હોત્રા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે

અગાઉ સિમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ ચૂકેલા દર્દીઓના રૂ.1.50 કરોડના બિલ પાસ કરાવવા મુદ્દે માટે ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર અરવિંદ પટેલ વતી બિલની રકમના 10 ટકા (15 લાખ)ની લાંચની માંગણી ભૂયંગદેવની આદિત્ય હોસ્પિટલના સંચાલક ડો. નરેશ મલ્હોત્રાએ કરી હતી. જેથી આ મામલે એસીબી દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.

કોરોનાના દર્દીઓને મફતમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અમદાવાદની 50 જેટલી ખાનગી હોસ્પિટલો સાથે કરાર કર્યા હતા. તે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનાર દર્દીએ ફાઈલ અને બિલો ડેપ્યુટી મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડો. અરવિંદ પટેલ પાસે મંજૂર કરાવવા પડે છે.

 અગાઉ અમદાવાદ સેશન્સ કોર્ટે ડો. નરેશ મલ્હોત્રાના આગોતરા જામીન ફગાવી દીધા હતા. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી અને કોર્ટે કડક વલણ દાખવતા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.

(9:46 pm IST)