Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અમદાવાદ મનપામાં કોંગ્રેસનું કાર્યાલય નાનું કરીને AIMIMને આપવામાં આવશે

AIMIMની સાત ઉમેદવાર જીત્યા હોવાથી તેમને પણ કાર્યાલય આપવું પડશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AIMIMના આવવાથી કોંગ્રેસની સીટો તો ઘટી છે, પરંતુ હવે AIMIM આવવાથી કોંગ્રેસનું કાર્યાલય પણ નાનું થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AIMIMને કાર્યાલય આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસનું કાર્યાલય નાનું કરીને AIMIMને આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાનિક ચુંટણીમાં આ વખતે નવી આવેલી પાર્ટી AIMIMના સાત ઉમેદવાર જીત્યા છે. જેથી AMCમાં તેમને બેસવા માટેનું કાર્યાલય બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનમાં દરેક પક્ષના જીતેલા ઉમેદવારને બેસવા માટેની ઓફીસ આપવામાં આવે છે. જો કે અત્યાર સુધીમાં કોંગ્રેસ માટે જ કાર્યાલય હતું પરંતુ આ ઇલેક્શનમાં ત્રીજો પક્ષ AIMIMની પણ સાત ઉમેદવાર જીત્યા હોવાથી તેમને પણ કાર્યાલય આપવું પડશે.

ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ વિસ્તારમાં આ વખતે નવો વિકલ્પ આવતા લોકોએ તેને પસંદ કરી મત આપ્યા હતા અને જેના કારણે કોંગ્રેસે પોતાના ગઢ જમાલપુર અને મક્તમપુરા ગુમાવવાનો વારો આવ્યો છે. આ પરિણામની અસર આગામી સમયમાં વિધાનસભાના ઈલેક્શનમાં પણ જોવા મળે તેવી પુરે પુરી શક્યતા સેવાઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીએ કોંગ્રેસનં આખું ગણિત બગાડી દીઘું છે.

(8:18 pm IST)