Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના લીધે હવામાનમાં પલટોઃ ડબલ ઋતુના કારણે રોગચાળામાં વધારો

ઉતર ભારતમાં હીમ વર્ષા થવાની શકયતા : ગુજરાત સહિત દેશના ઠંડકનો અનુભવ થશે

અમદાવાદ, તા. રપ : રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વિદાય લેતા શિયાળાની વચ્ચે અચાનક ડબલ ઋતુ ને કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. સવારે અને રાત્રે ખાસ્સી ઠંડક રહે છે અને દિવસે અકળાવતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. બેવડી સીઝનને કારણે લોકોને શરદી-ઉધરસની સમસ્યા થઇ રહી છે. ઘણાને છીંકોની પરેશાની થઇ છે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને લીધે હવામાનમાં પલટો આવ્યો છે. દિલ્હી-એનસીઆર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ સહિતના ઉત્તર ભારતના ઘણા ભાગોમાં તેના લીધે બુધવારથી ભારે વરસાદ અને હિમવર્ષા થઇ શકે છે. તેથી આવનારા દિવસોમાં ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં થોડી ઠંડી વર્તાઇ શકે છે.

ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાયની સંભવના હતી. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા માર્ચના પ્રારંભ સુધી ઠંડીનો અનુભવ થઇ શકે છે. માર્ચની શરૂઆતમાં રાજ્યના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન ૩૫થી ૩૬ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના મતે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને સુરેંદ્રનગર સહિતના જિલ્લામાં માર્ચના પ્રારંભે તાપમાનનો પારો ઉંચકાશે. હાલ તો આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સૂકું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યકત કરી છે.

ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ગાજવીજ સાથે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન ખાતાએ અહીં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ૨૩ અને ૨૪ ફેબ્રુઆરીએ વરસાદ થયો હતો. આ અસર ૨૮ ફેબ્રુઆરી સુધી રહી શકે છે. હવામાન ખાતાએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં આ સપ્તાહના અંતમાં  ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

બંગાળની ખાડીમાં ફૂંકાનારા ભારે પવનને કારણે દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં પણ કરા પડવાની સંભાવના છે. છેલ્લા બે દિવસથી ત્યાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. આવનારા ૨૪ કલાકમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પુંડુચેરી, કેરળના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.

IMDના જણાવ્યા મુજબ બુધવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલકિટ, બાલ્ટિસ્તાન અને મુજફ્ફરાબાદમાં રવિવાર સુધી વરસાદ અને હિમવર્ષા થઇ શકે છે. જ્યારે છેલ્લા ૫ દિવસ સુધી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં બે દિવસ સુધી વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે.

(2:02 pm IST)