Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં ચાલુ મેચે યુવક બબલ તોડીને કોહલીને મેળવા પહોંચી ગયો

બાઉન્સરોએ પકડી લઇને પોલીસ હવાલે કર્યો

અમદાવાદ, તા. રપ : અમદાવાદમાં નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ પર રમાઇ રહેલી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટના પ્રથમ દિવસે એક યુવક બબલ તોડી મેદાનમાં કોહલીને મળવા દોડી ગયો હતો. કોહલીના આ પ્રેક્ષકની મેદાનમાં ઘૂસણખોરીને કારણે મેચમાં વિઘ્ન સર્જાયું હતું. જો કે બાઉન્સરોએ આ યુવકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. તેની સામે હવે ગુનો નોંધાયો છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ (ડે-નાઇટ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઇ રહી છે. રાત્રે ભારતની બેટિંગ ચાલી રહી હતી ત્યારે કેપ્ટન વિરાટ કોહલીનો એક જબરો ફેન તેને મળવા માટે બાયો-બબલ તોડી મેદાનમાં ઘૂસી ગયો હતો.

કોહલી અને રોહિત શર્મા તે સમયે ક્રિઝ પર હતા. તે લગભગ ક્રિજ સુધી પહોંચી ગયો હતો. જેવો આ યુવક કોહલી તરફ વધ્યો તો વિરાટ બે ડગલા પાછળ ખસ્યો હતો અને તેને આગળ વધતા અટકાવ્યો હતો. યુવકે પણ તેની વાત માની લીધી હતી. જો યુવક કોહલી પાસે પહોંચી ગયો હોત તો બાયો-બબલનું ઉલ્લંઘન થાત અને ખેલાડીઓને કોરોનાનો ચેપ લાગદવાનું જોખમ થાત. પરંતુ એટલી વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો.

પરંતુ ચાલુ મેચમાં ગ્રાઉન્ડમાં ઘુસી જનાર યુવકને આ વખતે બાઉન્સરોએ પકડીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે હાલમાં કોરોનાના સમયમાં ક્રિકેટરોને ચેપ લાગી શકે તે પ્રકારની હરકત કરતાં યુવકની સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. અમદાવાદ ટેસ્ટ જોવા માટે આશરે ૫૦ પ્રેક્ષકો પહોંચ્યા હતા.

ભારતીય ઇનિંગ્સની ૧૯મી ઓવર જોફરા આર્ચર બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે કોહલીએ ચોથો બોલ બેકવર્ડ પોઇન્ટ પર રમ્યો અને તે પછી અજાણ્યો ફેન સિક્યુરિટીને ચકમો આપી ગ્રાઉન્ડમાં ઘુસી ગયો હતો. પરંતુ અહીં પ્રશ્નએ થાય છે કે આટલી કડક સુરક્ષા હોવા છતાં યુવક કેવી રીતે મેદાનમાં ઘૂસી ગયો.

(2:02 pm IST)