Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

દેડીયાપાડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ NSS ના વિદ્યાર્થી ઓએ “મતદાન જાગૃત્તિ અભિયાન” અંગે શેરી નાટકો રજૂ કર્યાં

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આગામી તા.૨૮ મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી જિલ્લા/ તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃત્તિ કેળવવવા દેડીયાપાડા તાલુકાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ નિવાલ્દાના NSS નાં વિદ્યાર્થીઓએ દેડીયાપાડાના એસ.ટી.બસટેન્ડ અને લીમડાચોક  ખાતે  સ્વીપ  કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા શેરી નાટકોમાં લોભ લાલચથી દૂર રહેવા તેમજ અવશ્ય મતદાન કરવાનો શેરી નાટકના માધ્યમથી પ્રેરક સંદેશ પાઠવ્યો હતો.
  આ શેરી નાટકોમાં "જાગો મતદાર જાગો-ગર્વથી કરો મતદાન", “એક મતથી  જીત-હાર-મત ન જાય બેકાર", “છોડીએ  આપણાં બધા કામ-પહેલા કરીએ મતદાન" અને “સાચા નાગરિકની એક જ પહેચાન-મતદાન"  વગેરે જેવાં બેનર્સ-પ્લેકાર્ડ સાથે મતદારોને તેમનાં કિંમતી મતની અગત્યતા સાથે તા.૨૮ મી ફેબ્રુઆરી,૨૦૨૧ ના રોજ તમામ  મતદારોએ મતદાન કરતી વખતે પોતાનો પવિત્ર અને કિંમતી મત આપવાં, મતદાન કરતી વખતે કોઈપણ પ્રકારની જ્ઞાતિ, જાતિ , ધર્મ વગેરેના ભેદભાવ વગર અવશ્ય મતદાન કરવાં તેમજ ૧૮ વર્ષની વય કે તેથી વધુ વયની વ્યક્તિઓને મતાધિકાર પ્રાપ્ત થાય છે અને મતદાન કરવાં જતી વખતે ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ વગેરે જેવા પુરાવા અવશ્ય રાખવાની સાથે દેશની પ્રગતિ આપણા જ હાથમાં છે. આપણી ફરજ ક્યારેય ના ચુકીએ-મત આપીએ બદલાવ લાવીએ, દેશના નાગરીક એ જ સાચા ઘડવૈયા, આપણે જ નવી પરિસ્થિતીનું નિર્માણ કરીશુંના  સંદેશાની સાથોસાથ હું મારો પવિત્ર મત આપીશ. મારા કુટુંબના બધા જ મતો અવશ્ય અપાવીશ અને મારા દેશ પ્રત્યેનું  ઋણ અદા કરવાના  સામૂહિક શપથ પણ લીધા હતા
  આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આગામી તા.૨૮ મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આજે દેડીયાપાડા તાલુકાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ નિવાલ્દાના વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેશન અને લીમડાચોક વિસ્તારમાં મતદાન જાગૃત્તિ અભિયાન અંતર્ગત શેરી નાટકો રજૂ કરવામાં આવ્યાં હતાં જેમાં, લોભ લાલચથી દૂર રહી મહત્તમ મતદાન કરવાની સમજ અપાઇ હતી તેમજ આગામી સમયમાં સમગ્ર નર્મદા જિલ્લામાં “મતદાન જાગૃત્તિ અભિયાન” હેઠળ વધુ શેરી નાટકો હાથ ધરવામાં આવશે જેમાં, જિલ્લાના પ્રજાજનોનો પણ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા નિરીક્ષક ડી. બી. વસાવા, મદદનીશ નિરીક્ષક એમ. એમ.પરમાર, દેડીયાપાડા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના આચાર્ય મેકવાન વિનસેંટ,શાળાના શિક્ષકગણ સહિત શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

(9:57 pm IST)