Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

રેશનીંગ દુકાનોને આધાર સાથે જોડવાના નિર્ણયનો વિરોધ : ૧ લી માર્ચે ગુજરાતમાં રેશનિંગના વેપારીઓ બંધ પાળશે

અમદાવાદ :  ગુજરાત પુરવઠા વિભાગે રેશનીંગના દુકાનદારો માટે આધાર લીંબ ફરજીયાત બનાવતા દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મળતી વિગત મુજબ પીડીએસ સિસ્ટમને આધારલિંક સાથે જોડવા રાજ્ય પુરવઠા વિભાગના નિર્ણયનો વ્યાજબી ભાવની દુકાનદારોએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત પડતર પ્રશ્નો ન ઉકેલાતાં રાજ્યના ૧૭ હજાર વ્યાજબી ભાવના દુકાનદારોએ ૧લી માર્ચે દુકાનો બંધ રાખી અનાજ,કેરોસીનનુ વિતરણ નહી કરવા નિર્ણય કર્યો છે. 

ગુજરાત ફેરપ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશને રાજ્ય પુરવઠા મંત્રી જયેશ રાદડિયાને પત્ર લખીને માંગ કરી છેકે, દિલ્હી અને રાજ્સ્થાન સરકારે ક્વિન્ટલ અનાજ પર રૃા.૨૦૦ કમિશન કર્યુ છે ત્યારે ગુજરાત સરકારે પણ કમિશન વધારવુ જોઇએ. આ ઉપરાંત પીડીએસને આધારલિંક સાથે જોડવામાં આવતા ઘણાં પ્રશ્નો સર્જાયા છે.ગ્રાહક અને દુકાનદાર બંન્ને મુશ્કેલીમાં મૂકાયા છે.નેશનલ ફુડ સિક્યોરિટીનો અમલ થયો છે તે જવાબદારી હવે વ્યાજબી ભાવના દુકાનદારો પર થોપી દેવામાં આવી રહી છે. 

વ્યાજબી ભાવના દુકાનદારોએ એવી ચિમકી ઉચ્ચારી છેકે, જો સરકાર પ્રશ્ન નહી ઉકેલે તો વ્યાજબી ભાવના દુકાનદારો સામૂહિક રાજીનામા ધરી દેશે. ૧૭ હજાર દુકાનદારો ઉપરાંત ૮ હજાર કેરોસીન હોલ્ડરોએ હવે સરકાર સામે મોરચો માંડવાની તૈયારી કરી છે જેના ભાગરૃપે ૨૬મીએ અમદાવાદમાં અમરાઇવાડીના એક પાર્ટીપ્લોટમાં રાજ્યભરના દુકાનદારોની એક બેઠક મળશે જેમાં રણનિતી ઘડવામાં આવશે. 

દુકાનદારોએ એવુ નક્કી કર્યુ છેકે, ૧લી માર્ચે પરમીટ મેળવશે પણ અનાજ,કેરોસીનની ખરીદી નહી કરે. આ કારણોસર રેશનકાર્ડ હોલ્ડરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છેકે, સરકારે ચૂંટણી પહેલાં તમામ પ્રશ્નો હલ કરી દેવા આશ્વાસન આપ્યુ હતું. પણ હજુ સુધી પ્રશ્નો ઉકેલાયાં નથી.

(2:39 pm IST)