Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

બોરસદમાં પાલિકાનું જર્જરિત કોમ્‍પલેક્ષમાં સ્‍લેબ તૂટી પડ્યોઃ બે વ્‍યક્તિનો બચાવઃ બાઇકને નુકશાન

ફોટોઃ બોરસદ વાસદ ચોકડી પાલિકા બિલ્ડીંગ કોલેપ્સ

બોરસદઃ બોરસદમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં કોમ્‍લેપક્ષનો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ગઇ હતી. જો કે, સદનસીબે કોઇ જાનહાનિ ન થતા તંત્રઅે રાહતનો શ્વાસ લીધો હતો. સ્લેબ તૂટી પડવાની ઘટનામાં બે વ્‍યક્તિનો બચાવ થયો હતો જ્યારે મોટરસાયકલને નુકશાન થયુ હતું.

પ્રાપ્ત માહિતી મુજબ બોરસદ શહેરની વાસદ ચોકડીએ પાલિકાની માલિકીનું આવેલ કોમ્પલેક્ષ લાંબા સમયથી બિસ્માર હાલતમાં ફેરવાયું છે. જેની છત જર્જરિત હોવાના કારણે અવારનવાર તેમાંથી પોપડા ખરવાની ઘટના બને છે. આથી દુકાનદારોએ પણ સલામતી માટે દુકાનોમાં પતરાં લગાવ્યા છે. જો કે પાલિકા દ્વારા વેરો અને ભાડુ વસૂલાત કરાતું હોવા છતાંયે સુવિધા મામલે ઉપેક્ષા અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પાલિકા દ્વારા સલામતી મામલે કોઇ કાર્યવાહી હાથ ધરાયાનો દુકાનદારો રોષ વ્યકત કરી રહ્યા છે.

દરમ્યાન આજે બપોરના સમયે કોમ્પલેક્ષમાં આવેલ ગેરેજની આગળ એક બાઇક ચાલક પોતાનું બાઇક રીપેર કરાવવા લઇને આવ્યો હતો. કારીગર બાઇક રીપેર કરી રહ્યો હતો તે દરમ્યાન કોમ્પલેક્ષના સ્લેબનો એક ભાગ ઘડાકાભેર તૂટી પડયો હતો. જો કે અગાઉ થોડા પોપડા ખરતા ચેતી ગયેલા બાઇકચાલક અને દુકાનદાર દુકાનમાં દોડી ગયા હતા. જેથી તેઓનો બચાવ થયો હતો. પરંતુ સ્લેબ પડવાના કારણે બાઇકને નુકસાન પહોંચ્યું હતું. એકાએક થયેલા ધડાકાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. કોમ્પલેક્ષનો સ્લેબ ઉતારીને રીનોવેશન કરાવવામાં આવે તો દુકાનદારોના માથેથી ઘાત ટળે તેવી ચર્ચાઓ ઉપસ્થિતોમાં થવા પામી હતી.

(6:00 pm IST)