Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ગુજરાતને હચમચાવનાર કાળમુખા ભૂકંપની કાલે 22મી વર્ષી બેસશે

21 વર્ષ વીતી જવા છતાંય ભૂકંપમાં માર્યા ગયેલા પરિવારના ઘા હજુ રૂઝાયા નથી: અનેક કાચા- પાકા મકાનો જમીનદોસ્ત થયા અને અસંખ્ય ફલેટો ધરાશાયી થયા હતા

અમદાવાદ : રાજ્યમાં તા.26.01.2001 ના રોજ વિનાશક ભૂકંપ આવ્યો હતો. તેને આવતીકાલે 21 વર્ષ પૂર્ણ થશે. આવતીકાલે ભૂકંપની 22મી વર્ષી બેસશે. 21 વર્ષ વીતી જવા છતાંય ભૂકંપમાં માર્યા ગયેલા પરિવારના ઘા હજુ રૂઝાયા નથી. હજુ પણ આ અંગેના કેસો ચાલી રહ્યા છે. અમદાવાદ શહેરના એલિસબ્રિજ લો ગાર્ડન, સંચાર કોલોની પાછળ આવેલા અક્ષરદિપ એપાર્ટમેન્ટના બી બ્લોક ધરાશયી થયો હતો. આ કેસમાં તમામ પક્ષકારોની સુનાવણીઓ સમાપ્ત થઈ છે. ટુંક સમયમાં જ સ્ટેટ કમિશન દ્વારા પુનઃ જજમેન્ટ ડીક્લેર-જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતને હચમચાવી મુકનારા આ ભૂકંપમાં અનેક કાચા- પાકા મકાનો જમીનદોસ્ત થયા હતા. જેમાં અસંખ્ય ફલેટો ધરાશાયી થયા હતા. આથી ગ્રાહકોએ ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અને સંબંધિત જે તે શહેર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરીયાદો દાખલ કરીને નુકશાની સામે વળતર અને ન્યાય મેળવવા દાદ માંગી હતી. અનેક કેસમાં ફરીયાદો મંજુર કરી ગ્રાહકોને ન્યાય મળ્યો છે.

અમદાવાદ શહેરના એલિસબ્રિજ લો ગાર્ડન, સંચાર કોલોની પાછળ આવેલા અક્ષરદિપ એપાર્ટમેન્ટના બી બ્લોક ભૂકંપમાં સંપુર્ણ ધરાશાયી થયેલ. 11 રહીશોના દુઃખદ મૃત્યુ થયેલા અને ફલેટો તુટી પડતા રહીશો ઘરબાર વગરના થયેલા અને રોડ ઉપર આવી ગયા હતા.

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે અક્ષરદિપ એપાર્ટમેન્ટના બી બ્લોકના 16 પરિવાર વતી સ્ટેટ કમિશનમાં ફરીયાદ દાખલ કરી દાદ માંગી હતી. ગુજરાત રાજ્યના ગ્રાહક તકરાર નિવારણ કમિશને વર્ષ-2012 માં ફરીયાદીની ફરીયાદ મંજુર કરી બિલ્ડર, ડેવલોપર અને ઓર્ગેનાઇઝર અક્ષર એસોસીએટસના પ્રોપરાયટર રાવજીભાઈ હરીભાઈ પટેલ તેમજ સ્ટ્રક્ટરલ એન્જીનીયર વિરૂધ્ધ ફલેટની ખરીદીના અલગ અલગ રૂા.4 લાખથી રૂા.12 લાખ અવેજ સુધીનો વાર્ષિક 9 ટકાના વ્યાજ સાથે તેમજ માનસિક ત્રાસ અને આઘાતના લીગલ કોસ્ટના રૂા.60,000 અલગથી ચુકવવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે બિલ્ડર રાવજીભાઈ હરીભાઈ પટેલે નેશનલ કમિશન, નવી દિલ્હી સમક્ષ અપીલ દાખલ કરી હતી. જેમાં નેશનલ કમિશનની સર્કિટ બેન્ચે કેસ રીમાન્ડ કરી, સ્ટેટ કમિશનને પરત મોકલાવી પુનઃ સુનાવણી કરવા હુકમ કર્યો હતો.

સ્ટેટ કમિશનના પ્રમુખ જસ્ટીસ વી.પી.પટેલ સમક્ષ તમામ પક્ષકારોની સુનાવણીઓ સમાપ્ત થઈ છે અને ટુંક સમયમાં જ સ્ટેટ કમિશન દ્વારા પુનઃ જજમેન્ટ ડીક્લેર-જાહેર કરવામાં આવશે.

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ફરીયાદ સાબિત કરવા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આર.ટી.આઈ. કરી, બાંધકામની વિવિધ સામગ્રીની ગુણવત્તાઓના નમુનાઓની એફ.એસ.એલ. દ્વારા તપાસનો રીપોર્ટ, ફાઉન્ડેશન, ડિઝાઇન, પંચનામા, એક્સપર્ટ એજીનિયરનો રીપોર્ટ અને એફીડેવીટ તેમજ ટેકનિકલ પોઇન્ટ ઉપર વિવિધ પ્રશ્નોત્તરીઓના જવાબો આપી ફરીયાદ સાબિત કરી હતી.

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું છે કે, બિલ્ડર, ડેવલોપર અને ઓર્ગેનાઈઝર સર્વિસ પ્રોવાઇડર છે અને ગ્રાહક સુરક્ષા ધારો લાગુ પડે છે. બિલ્ડીંગના બાંધકામમાં સેવામાં ખામી, બેજવાબદારી અને બેદરકારી સાબિત કરવાથી ગ્રાહકોની ફરીયાદ મંજુર થાય છે અને નુકશાની સામે વળતર-ન્યાય મળે છે.

(11:04 pm IST)