Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

'રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૨' ની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ

‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ મહત્વનું યોગદાન આપે છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ આપણા દેશ અને દેશની લોકતાંત્રિક વ્યવસ્થા માટે એક સિમાચિન્‍હરૂપ દિવસ

અમદાવાદ :ગુજરાત રાજ્યમાં 'રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૨' ની ઉજવણીનો કાર્યક્રમ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ રીતે આજરોજ યોજવામાં આવ્યો. મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત દ્વારા આયોજિત રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ રાજ્ય ચૂંટણી કમિશ્નર, ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૧થી દર વર્ષે ૨૫ જાન્યુઆરીના દિવસે (જે ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ પણ છે), 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયામાં દરેક પાત્ર નાગરિકને સહભાગી બનાવવા, દરેક પાત્ર નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી વખતે મતદાન કરીને પોતાનો સક્રિય અને અર્થપૂર્ણ ફાળો આપવા પ્રેરિત કરવાના હેતુ સાથે આ દિવસ ઉજવવામાં આવે છે. ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી સમગ્ર દેશમાં રાષ્ટ્રીયકક્ષાએ, દરેક રાજ્યકક્ષાએ, દરેક જિલ્લાકક્ષાએ અને ૧૦ લાખથી વધુ મતદાન કેન્દ્રો પર અનેક પ્રકારના મતદાર જાગૃતિ કાર્યક્રમો સાથે કરવામાં આવે છે.    

 
આ કાર્યક્રમમાં દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલ અધિકારીઓ-કર્મચારીઓ પણ જોડાયેલ. તદ્‍ઉપરાંત દરેક જિલ્લા તથા તાલુકા સ્તર પર સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, દિવ્યાંગજનો સાથે કામ કરતી સંસ્થાઓ, એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉટ એન્ડ ગાઇડ્સ સંસ્થા તથા નહેરુ યુવા કેન્દ્ર સંગઠન જેવી અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યના સૌ નાગરિક ભાગ લઇ શકે તે માટે તેનું પ્રસારણ સવારે ૧૧.૦૦ કલાકથી મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ, ફેસબુક પેજ અને યુ ટ્યુબ ચેનલ પર કરવામાં આવેલ જેમાં ૬૫,૭૮૪ થી વધુ સંખ્યામાં યુવા મતદારો તથા અન્ય મતદારો જોડાયા હતા. તે સર્વેને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે.પટેલે કાર્યક્રમમાં આવકાર્યા હતા.
મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત,અનુપમ આનંદે કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયેલ સર્વે મહાનુભાવ, અધિકારીઓ તથા રાજ્યના સર્વે મતદારોનું સ્વાગત કરતા ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ના મહત્વ તથા હેતુ વિષે વાત કરી. તેમણે જણાવ્યું કે લોકતાંત્રિક પ્રક્રિયા વિષે મતદારોમાં વધુ ને વધુ જાગૃતિ લાવવામાં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ મહત્વનું યોગદાન આપે છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ આપણા દેશ અને દેશની લોકતાંત્રિક વ્યવસ્થા માટે એક સિમાચિન્‍હરૂપ દિવસ છે.  જે લોકતાંત્રિક સફળતાનું માત્ર પ્રતિક જ નથી પરંતુ દેશના કરોડો નાગરિકોની લોકતાંત્રિક સફળતાનો ઉત્સવ છે. આ જ વાત આ વર્ષની રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ – “સમાવિષ્ટ, સુગમ, સહભાગી : ચૂંટણી વ્યવથાપન મંત્ર “ માં પ્રતિબિંબિત થાય છે.
ત્યારબાદ ભારતના ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન આયુક્ત સુશિલ ચન્‍દ્રાનો પૂર્વ-રેકોર્ડેડ ઓડિયો - વિડીયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 
 તેમણે જણાવ્યું કે ચૂંટણીના ૭૦ વર્ષ પુરા થવા તથા આઝાદીના ૭૫ વર્ષ પુરા થવાના સમયે ચાલુ વર્ષનો ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ઉજવાઈ રહ્યો છે.
 ભારતનું ચૂંટણી પંચ  "દરેક મત મહત્વપૂર્ણ" અને "કોઈ પણ મતદાર રહી ન જાય" ના સિદ્ધાંત સાથે કામ કરે છે. ભારત ચૂંટણી પંચ દ્વારા આ વર્ષના ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની નક્કી કરવામાં આવેલ થીમ છે - “સમાવિષ્ટ, સુગમ, સહભાગી : ચૂંટણી વ્યવથાપન મંત્ર “.
ઉલ્લેખનીય છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે તથા ખાસ કરીને મતદારો માટે મતદારયાદીમાં નોંધણીથી માંડીને ચૂંટણીના પરિણામ સુધીની સમગ્ર પ્રક્રિયા માટે ટેક્નોલોજીની મદદથી ૨૦ જેટલી જુદી જુદી એપ્લિકેશન્સ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે; જેમ કે વોટર પોર્ટલ અને NVSP પોર્ટલ, વોટર હેલ્પલાઇન એપ, ૧૯૫૦ નિઃશુલ્ક હેલ્પલાઇન, SMS સુવિધા, દિવ્યાંગ મતદારો માટે ખાસ બનાવવામાં આવેલ PwD એપ. તેમાં ઉમેરો કરતાં ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસની જાણકારી મળી રહે તે માટે “Know Your Candidate” KYC નામની નવી એપ ઉમેરવામાં આવેલ છે.
ત્યારબાદ મુખ્ય નિર્વાચન અધિકારી અનુપમ આનંદ દ્વારા રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયામાં ઉત્તમ કામગીરી બજાવનારા ચૂંટણી તંત્રના અધિકારીઓને પુરસ્કારની જાહેરાત પણ કરવામાં આવેલ છે
રાજ્ય ચૂંટણી કમિશ્નર,સંજય પ્રસાદે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે ભારતના ચૂંટણી પંચની જેમ રાજ્ય ચૂંટણી આયોગ પણ ચૂંટણી પ્રક્રિયામાં દરેક મતદારની સહભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે. રાજ્યમાં મહાનગરપાલિકા,નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા ગ્રામ પંચાયતો મેળી કુલ ૧૪ હજારથી વધુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આયોજિત કરવાનું કામ રાજ્ય ચૂંટણી આયોગ સુપેરે પાર પાડી રહ્યું છે. રાજ્યમાં ૪.૫૦ કરોડથી વધુ મતદારો સાથે જુદા જુદા સ્તરની ચૂંટણીઓનું આયોજન કરવું તે એક પડકારજનક કામગીરી છે. આ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદારોની જાગૃતિ અને શિક્ષણ માટે સ્ટેટ્‍સ વોટર્સ અવેરનેશ પ્રોગ્રામ એટલે કે સ્વેપ કાર્યક્રમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે સંજય પ્રસાદ, રાજ્ય ચૂંટણી કમિશ્નરએ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે શપથ લેવડાવ્યા હતા. 
કાર્યક્રમના અંતમાં ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

(7:29 pm IST)