Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

રાજ્યના વિદ્યાર્થીઓના ઇનોવેશન અને રિસર્ચને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવા રાજ્ય સરકાર કટીબદ્ધ : શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

‘બેઝીક્સ ઓફ વર્નાક્યુલર ઇનોવેશન’ ઓનલાઈન ટ્રેનીંગ પ્રોગ્રામનો પ્રારંભ કરાવતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી : શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોરની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિ

ગાંધીનગર :ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા તા. ૨૪ જાન્યુઆરીથી તા. ૨૩ ફેબ્રુઆરી-૨૦૨૨ દરમિયાન ‘બેઝીક્સ ઓફ વર્નાક્યુલર ઇનોવેશન’ ઓનલાઈન ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું છે આ પ્રોગ્રામમાં ૧,૦૦૦ જેટલા પ્રાધ્યાપકો અને ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થશે : ઓનલાઈન ૨૬ કલાસરૂમ થકી તાલીમ અપાશે

 ગાંધીનગર ખાતે ઓનલાઈન ટ્રેનીંગ પ્રોગ્રામ ‘બેઝીક્સ ઓફ વર્નાક્યુલર ઇનોવેશન’નો પ્રારંભ કરાવતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, રાજ્યના વિદ્યાર્થીઓના ઇનોવેશન અને રિસર્ચને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા તા. ૨૪ જાન્યુઆરીથી તા.૨૩ ફેબ્રુઆરી-૨૦૨૨ દરમિયાન ‘બેઝીક્સ ઓફ વર્નાક્યુલર ઇનોવેશન’ ઓનલાઈન ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં અભ્યાસ કરતા નોન-ટેકનિકલ વિધાર્થીઓ પણ ઇનોવેશન કરી શકે તેવા ઉમદા હેતુથી ઇનોવેશન ક્લબ સમગ્ર રાજયની સરકારી, બિન-સરકારી અનુદાનિત કોલેજો અને ગ્રામ વિદ્યાપીઠોમા ઇનોવેશન કલબનું ગઠન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત રાજ્યના વધુમાં વધુ વિધાર્થીઓને સર્જનાત્મક વિચારો માટે પ્રોત્સાહિત કરી સ્ટાર્ટઅપ્સ માટે તૈયાર કરવામા આવશે. જેથી સ્થાનિક યુવાનો દ્વારા સ્થાનિક સમસ્યાઓનું સ્થાનિક સમાધાન મળી રહે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.    
મંત્રી  વાઘાણીએ કહ્યું કે, દેશભરમાં ઈનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવાની મહત્વાકાંક્ષા સાથે ‘અટલ ઈનોવેશન મિશન’ (AIM), નીતિ આયોગ દ્વારા વર્નાક્યુલર ઈનોવેશન પ્રોગ્રામ (VIP) શરૂ કરવામાં આવ્યું છે. વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ (VIP) ભારતમાં ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને ભારત સરકાર દ્વારા ૨૨ અનુસૂચિત ભાષાઓમાં ઇનોવેશન ઇકોસિસ્ટમમાં પ્રવેશ મેળવવા માટે સક્ષમ બનાવશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં થયેલ જોગવાઈ અનુસાર ઇનોવેશન અને રિસર્ચને વધુમાં વધુ આગળ લઇ જવા ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી દ્વારા શરુ કરવામાં આવેલ ઈનોવેશન કલબ કારગત નીવડશે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ.
મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, આ કાર્યક્રમના ફળસ્વરૂપે સંશોધન અને ઇનોવેશનને “આઈડીયા ટુ સ્ટાર્ટ-અપ” સુધી સાકાર કરવા માટે SSIP 2.0 અંતર્ગત ફંડીંગની સહાયતા પૂરી પાડવામાં આવશે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)એ આ ટ્રેનીંગ પ્રોગ્રામ દરમિયાન ટેક્નિકલ એજન્સી તરીકે મદદ કરશે. અદ્યતન વિષય સાથે DIY (ડુ ઈટ યોરસેલ્ફ) મેન્યુઅલ વૈજ્ઞાનિક કિટ્સ તૈયાર કરશે અને આ કીટના ઉપયોગ અંગેની તાલીમ પણ અપાશે.
મંત્રી વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતુ કે, વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ વિવિધ સમુદાયોના લોકોની ડિઝાઇન અને ઇનોવેશન ક્ષમતાઓને મજબૂત બનાવશે. તેમજ સ્થાનિક સાહસિકો, કારીગરો અને સંશોધકોના સર્વસમાવેશિક વિકાસમાં વધારો કરશે. ઉપરાંત રાજ્યમાં ડિઝાઇન નિષ્ણાતો અને ઇનોવેશન પ્રેક્ટિશનરોનું મજબૂત સ્થાનિક નેટવર્ક બનાવવામાં પણ મદદ મળશે. તદુપરાંત આ પ્રોગ્રામ રાજ્યમાં ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરશિપ ઇકોસિસ્ટમની યાત્રામાં એક મહત્વનું પગથિયું બની રહેશે. તેમજ યુવા અને મહત્વાકાંક્ષી લોકોની બૌદ્ધિકતા અને ડિઝાઇન થીંકીંગ સિસ્ટમને મજબૂત કરશે. આ પ્રોગ્રામ થકી સ્થાનિક સમસ્યાઓના નવીન ઉકેલો સ્થાનિક ભાષામાં શોધવા સ્થાનિક યુવાનો વધુ સક્ષમ બનશે અને આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ ક્ષેત્રે નવુ સીમાચિહ્ન સ્થાપિત થશે.
ઓનલાઈન ‘બેઝીક્સ ઓફ વર્નાક્યુલર ઇનોવેશન’નો ટ્રેનીંગ પ્રોગ્રામ અંગે માહિતી આપતા શિક્ષણ અગ્ર સચિવ શ્રી એસ. જે હૈદરે જણાવ્યુ હતુ કે આ પ્રોગ્રામમાં ૧૦૦૦ જેટલા પ્રાધ્યાપકો અને ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાશે. આમ, અંદાજે ૬૦૦૦ જેટલા સહભાગીઓ માટે ઓનલાઈન ૨૬ કલાસરૂમ બનાવવામાં આવશે તેમજ તેનું You-Tube પર લાઇવ બ્રોડકાસ્ટિંગ પણ કરવામાં આવશે. ટ્રેનીંગ દરમિયાન દરેક સેશન બાદ એસાઈમેન્ટ આપવામાં આવશે, જેની પુર્તતા થયા બાદ તાલીમાર્થીઓને ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે. તેમજ ટ્રેનિંગ પૂર્ણ થતાં રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન પણ કરાશે.
આ ટ્રેનિંગ કોર્સમાં બ્લોક પ્રોગ્રામિંગની મૂળભૂત બાબતો, તેના ઉપયોગો અને વિવિધ એપ્લિકેશનોના અમલીકરણ ઉપર ૧૫ ટ્રેનીંગ સેશનો યોજાશે. ટ્રેનીંગ પ્રોગ્રામના મોડયુલમાં મોશન બ્લોક્સ, લુક્સ બ્લોક્સ, સાઉન્ડ બ્લોક્સ, ઇવેન્ટ બ્લોક્સ, કંટ્રોલ બ્લોક્સ, સેન્સિંગ બ્લોક્સ, ઓપરેટર્સ બ્લોકસ અને વેરિયેબલ બ્લોક્સનો પણ સમાવેશ કરવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણ કમિશનર એમ. નાગરાજને કહ્યું હતુ કે, ઇનોવેશન ક્લબ અંતર્ગત યુવાનો ઇનોવેશન માટે પ્રેરાય તે હેતુથી “અમૃત નવસર્જન પ્લેટફોર્મ”નું નિર્માણ અમદાવાદની કેસીજી કચેરી ખાતે કરવામાં આવ્યું હતુ. “અમૃત નવસર્જન” એ ગુજરાતી ભાષામાં બ્લોક આધારિત કોડિંગ પ્લેટફોર્મ છે જે સ્થાનિક સાંસ્કૃતિક પાસાઓ સાથે સમાવિષ્ટ છે. આ પ્લેટફોર્મ ક્રિએટિવ લર્નિંગ સાથે ગેમ્સ, સ્ટોરીઝ અને એનિમેશન બનાવવા માટે ઇન્ટરેક્ટિવ વિઝયુઅલ અને બ્લોક આધારિત એક પ્રોગ્રામિંગ એપ્લિકેશન છે.
આ કાર્યક્રમમાં વર્ચ્યૂઅલ માધ્યમથી શિક્ષણ રાજ્યમંત્રી કુબેરભાઈ ડિંડોર, કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના ઈનોવેશન સેલના નિયામક ડૉ. મોહિત ગંભીર,અટલ ઈનોવેશન મિશનના મિશન નિયામક ડૉ. ચિંતન વૈષ્ણવ, આઈહબના સીઈઓ એચ. મહંતા, ગુજકોસ્ટના સલાહકાર ડૉ. નરોત્તમ શાહૂ, ઉચ્ચ શિક્ષણના સંયુક્ત કમિશનર નારાયણ માધુ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.   

(6:57 pm IST)