Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

બારડોલીમાં ઠંડીનો પારો 7° સેલ્શિય સુધી પહોંચી જતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા

આખો દિવસ 12.5 કીમીની ઝડપે ઠંડો પવન રહેતા લોકોએ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી

બારડોલીમાં ઠંડીનો પારો 7° સેલ્શિય સુધી પહોંચી જતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા.અંદાજિત દસ વર્ષ બાદ સોમવારે વહેલી સવારે પારો આટલો નીચે જતા લોકોએ તાપણું અને ગરમ કપડાંનો સહારો લેવો પડ્યો હતો

સામાન્ય રીતે મકરસંક્રાંતિ બાદ ધીમે ધીમે ઠંડી ઓછી થતી હોય છે. પરંતુ પશ્ચિમી વિક્ષેપને કારણે આ વર્ષે હજુ સુધી બારડોલી સહિત સુરત જિલ્લાના લોકોને ઠંડીમાં રાહત મળી શકી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં તાપમાનનો પારો નીચો જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તે મુજબ જ રવિવારે સાંજના સમયથી જ ઠંડો પવન વાતા ઠંડીનો વરતારો શરૂ થઈ ગયો હતો.

રાત્રિના સમયે લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું. સોમવારે વહેલી સવારે પારો 7° સેલ્શિય સુધી પહોંચી જતાં લોકો રીતસરના ધ્રૂજતા જોવા મળ્યા હતા. દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન 28°સેલ્શિય નોંધાયું હતું સવારના સમયે લોકોની ચહલપહલ પણ ઓછી જોવા મળી હતી. આખો દિવસ 12.5 કીમીની ઝડપે ઠંડો પવન વાતો રહેતા લોકોએ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી બે ત્રણ દિવસ માટે તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાણકારોના મતે બારડોલીમાં અંદાજિત દસ વર્ષ બાદ તાપમાનમાં આટલો ઘટાડો જોવા મળ્યો હતો.

(12:13 am IST)