Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ચૂંદડીવાળા માતાજી : એક અદ્ભૂત રહસ્ય

છેલ્લા ૮ થી ૯ દાયકા માત્ર હવાને આધારે જીવન પસાર કરેલ : સમાધી સાથે દંડ-કમંડળ મુકાયા હતા : વિશ્વના નામી તબીબો - વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન થયેલ માતાજી કહેતા કે : ભારતમાં પાણીની અછત, ભૂકંપ જેવી પ્રાકૃતિક આફતો, રામમંદિરની તૈયારી છે, કળીયુગના પ્રભાવથી સદ્વૃત્તિ પરેશાન છે : મોટું યુધ્ધ પણ સંભવિત બની શકે છે

ચૂંદડીવાળા માતાજીએ થોડા સમય પૂર્વે મંગળવાર તા. ૨૬-૫-૨૦૨૦ના રોજ મધ્યરાત્રિએ દેહોત્સર્ગ કર્યો હતો. ચરાડાથી એમના દેહને ભકતોના દર્શનાર્થે અંબાજી સ્થિત આશ્રમમાં લવાયો હતો. લોકડાઉન છતાં મંગળવારે અને બુધવારે ભકતોને દર્શન આપ્યા હતા. શાસ્ત્રોકત વિધિ પ્રમાણે ગુરૂવારે તેમના દેહને મૂળ પોશાકથી સજ્જ કરી તેઓ રવિવારે અને પૂનમે ભકતોને જ્યાં દર્શન આપતા હતા તે સ્થળે સવારે ૮:૧૫ વાગ્યે સમાધિ અપાઇ હતી. કોરોના મહામારીના કારણે અસંખ્ય શ્રધ્ધાળુઓએ સોશિયલ મીડિયા દ્વારા માતાજીના દર્શન કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

અંબાજી ગબ્બર તળેટી સ્થિત ગુફા અને તપોભૂમિ પર સમાધિ અપાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર દૂરના અંતરે બેઠેલા ભકતોની અશ્રુસરિતા નયનોથી વહેતી હતી અને શ્રધ્ધાંજલિ અર્પી હતી. છેલ્લા આઠ દાયકાથી અન્ન-જળનો ત્યાગ કરીને રહસ્યમય જીવન જીવતા અને ઉપાસના કરતા. ચૂંદડીવાળા માતાજી સાથે નજીકનો સંબંધ ધરાવતા વિદ્વાન શાસ્ત્રી જીતુભાઇ દ્વારા વૈદિક મંત્રો અને વૈદિક વિધિ-વિધાન મુજબ ગુરૂવારે સવારે પ્રાતઃ કાળે રૂદ્ર સૂકતના અભિષેક બાદ પંચ-લેપન, શ્રીશ્રૃંગાર અને ભૂમિપૂજનના અંતે માતાજીને સમાધિસ્થ કરવામ)ં આવ્યા હતા. વિશ્વભરમાં વસતા માતાજીના સેવકોએ મીડિયા દ્વારા સજળ નયને માતાજીના દર્શન કર્યા ત્યારે વાતાવરણમાં એક પ્રકારની આધ્યાત્મિકતા ફેલાઇ ગઇ હતી.

તેમના પરિજનોએ સુવર્ણ અને ચાંદીનું ગુપ્તદાન કર્યું હતું. માતાજી પરશુરામ પરિવારના હોવાથી સમાધિ દરમિયાન ફરસી મુકવામાં આવેલ. આ ઉપરાંત દંડ અને કમંડળ પણ મૂકવામાં આવેલ. કળશમાં સોના-રૂપાના ગુપ્તદાન સાથે માતાજીએ ધારણ કરેલ સુવર્ણના શ્રીશ્રૃંગારને યથાવત રાખવામાં આવ્યો હતો.

માતાજી દર પૂનમે તેમની ગુફાથી શકિતપીઠ ગબ્બર દર્શનાર્થે પગપાળા જતા હતા. જ્યાં ગબ્બર નીચે સ્થિત નવદુર્ગા મંદિરના સંત બડે બાપુની મુલાકાત લેતા હતા. પચાસ વરસની અતૂટ મૈત્રી. સંત બડે બાપુએ ચંડીપાઠના જાપ શરૂ કર્યા હતા. અગિયાર દિવસ આ જાપનું અનુષ્ઠાન એમની મોક્ષગતિ માટે કરાયું. બાપુએ માત્ર પાણી પર જ રહી અનુષ્ઠાન કર્યું.

યાત્રાધામ અંબાજી પાસે મા અંબાના મૂળ સ્થાન ગબ્બર પર્વત પરની અરવલ્લી ગિરિમાળાઓમાં એક નાનકડી કુટીર સ્થાપી ભકિતજાપનો ભેખ ધારણ કરનાર માતાજી બ્રહ્મલીન થયા છે. ચુંદડીવાળા માતાજી તરીકે ખ્યાત પ્રહલાદભાઇ જાનીએ થોડા મહિનાઓ પૂર્વે મંગળવારે રાત્રે ૨ વાગ્યે ચરાડા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.

'અકિલા' સાથેનું માતાજીનું એક મધુર સંભારણું છે. તા. ૩-૧૦-૧૮ના રોજ રાજકોટ ખાતે 'અકિલા' સાંધ્ય દૈનિકના આંગણે માતાજી પધારેલ અને તેમણે જણાવ્યું હતું કે, 'શ્રી નરેન્દ્રભાઇ મોદી દેવી ઉપાસક છે, ફરી વડાપ્રધાન બનશે.' ચુંદડીવાળા માતાજી તરીકે અપાર લોકચાહના ધરાવતા માતાજી ભકતોની શ્રધ્ધાનું કેન્દ્ર બન્યા હતા. માતાજી છેલ્લા નવ દાયકાથી હવાના આધારે ધબકયા. વિશ્વના તબીબો સંશોધકો દ્વારા તેમના પર તબીબી પરીક્ષણો કરવામાં આવ્યા છે. આમ માતાજીની જીવનયાત્રાની દીર્ઘ અને આશ્ચર્યના આનંદદાયક આંચકા અર્પનારી કહાની એક ઝલકરૂપ અને રહસ્યમય બની છે. આધુનિક વિજ્ઞાનને માતાજીના રહસ્યો અંગે પરીક્ષણો પછી પણ પ્રશ્નાર્થ રહી ગયો છે. માતાજી કહેતા કે ખેચરી મુદ્રા સિધ્ધ કરવાથી આયુષ્ય લંબાય છે. માતાજી કહેતા કે, 'ભારતમાં પાણીની અછત, ભૂકંપ એવી પ્રાકૃતિક આફતો પણ આવી શકે છે. અયોધ્યામાં રામમંદિર નિર્માણની તૈયારી છે. કળિયુગના પ્રભાવથી સદ્વૃત્તિ પરેશાન છે. મોટું યુધ્ધ પણ સંભવ બને તેમ છે.' પ્રહલાદભાઇ જાની મૂળ માણસા તાલુકાના ચરાડા ગામના હતા. માતાજીના પ્રાગટય બાદ તેઓ અંબાજી સ્થાયી થયા હતા. આશ્રમમાં આધ્યાત્મિક અને સેવા પ્રવૃત્તિમાં રત રહેતા હતા. દર પૂનમે અને રવિવારે સવારે ૭ થી ૧૨ વાગ્યા સુધી લોકોના દુઃખદર્દ દૂરથાય એવી પ્રાર્થના કરતા હતા. માતાજી હીંચકે ઝૂલતાં ઝૂલતાં ભકતો પર અપાર પ્રેમવર્ષા વરસાવતા હતા.

માતાજી દેશવિદેશમાં ખ્યાતિ ધરાવતા. એકયાસી વરસથી માત્ર સૂર્યપ્રકાશની ઉર્જાના સહારે જીવતા. માતાજી આજે આપણી વચ્ચે નથી. ગુજરાત કેમિસ્ટ એસોસિયેશનના ચેરમેન જશુભાઇએ કહેલ કે, 'માતાજી ૧૫-૧૫ દિવસ સુધી એમની પર ટેસ્ટ થયા એ માતાજી ચમત્કારથી કમ નહોતા.' શ્રી સુરેશભાઇ સોનીએ કહેલ કે, 'માતાજી એક સપ્તાહ પૂર્વે જ ગામના પોતાના ઘરે આવ્યા હતા. એ સમયે તેમણે પરિવારને કહેલ કે મને કંઇ થાય તો અંબાજી ગુફામાં જ સમાધિ આપજો.' ત્યારબાદ માતાજી સંપૂર્ણ રીતે પથારીગ્રસ્ત હતા.

વૈજ્ઞાનિક પરીક્ષણ થકી તેમણે વિશ્વફલક પર પ્રસિધ્ધિ મેળવી વિજ્ઞાનને પણ અચંબિત કર્યું હતું. વિજ્ઞાન માટે તેઓ વણઉકેલ્યા કોયડા સમાન બની રહ્યા હતા. ડો. સુધીર શાહે માતાજી પર સંશોધન કર્યું હતું. ૨૩-૧૧-૨૦૦૩ અને બીજી વખત ૨૦૧૦માં મોનીટરીંગ કરેલ. એક જર્મન ફિલ્મ 'ઇન ધ બિગેનિંગ ધેર વોઝ લાઇવ'માં માતાજી પર ફોકસ થયું છે.

પરમાત્મા માતાજીના દિવ્યાત્માને શાંતિ અર્પો એ જ પ્રાર્થના.

('સોમનાથ વર્તમાન'માંથી સાભાર)

(પૂજ્ય માતાજી કેટલાક સમય પૂર્વે અકિલાના આંગણે પણ પધાર્યા હતા અને રસપ્રદ ઇન્ટરવ્યુ આપેલ તથા અકિલા પરિવારને અંતરના આશિર્વાદ આપ્યા હતા.)

આલેખન : ડો. આર. કે. ભાવસાર

અમદાવાદ. મો. ૯૮૨૫૩ ૯૪૦૭૧

(3:22 pm IST)