Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

અમદાવાદમાં માસ્ક વગર ફરતા પકડાયેલ ૨૫૬માંથી ૯ પોઝિટિવ

જાહેરમાં માસ્ક વગર ફરનારા સામે કડક કાર્યવાહી : પોઝિટિવ જણાયેલાઓને હોસ્પિટલમાં ખસેડાયા જ્યારે અન્યો પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો

અમદાવાદ, તા. ૨૩ : દિવાળી બાદ કોરોનાએ ઉથલો માર્યો છે. જેથી રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાયો છે. વધારે પ્રમાણમાં કોરોના વધતા સરકારે અમદાવાદમાં કરફ્યૂ આપ્યો હતો છતા પણ હજી અમદાવાદીઓ પોતાની બેદરકારી બતાવી રહ્યા છે. ત્યારે અમપા દ્વારા અમદાવાદમાં જાહેરમાં માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અમપાએ ૨૫૬ લોકોના ટેસ્ટ કર્યા હતા જેમાથી ૯ લોકો પોઝિટિવ આવ્યા હતા. આ ૯ લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા તો અન્ય લોકોની પાસેથી એક-એક હજાર રૂપિયા દંડ વસુલવામાં આવ્યા હતા.

અમદાવાદમાં માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાથી અમપા દ્વારા ૨૫૬ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી ૯ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ દર્દીઓમાંથી ૬ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ૩ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. આ સિવાય નેગેટિવ આવેલા લોકો પાસેથી ૧-૧ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. કોરોના તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે છતાં પણ હજી કેટલાક એવા લોકો છે જે માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે. જેથી અમદાવાદમાં અમપાનું માસ્કઅપ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. માસ્ક વગર જાહેરમાં ફરતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ દંડ ફટકારવામાં આવશે. તે સિવાય માસ્ક પહેર્યા વગર જાહેરમાં ફરનારા લોકોનો કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો રૂપિયા ૧૦૦૦નો દંડ ફટકારવામાં આવશે. તેમજ રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને હોસ્પિટલ ખસેડવામાં આવશે.

(9:21 pm IST)