Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

સુરતને હરિયાળુ બનાવવા કોર્પોરેશનની કવાયતઃ 2 બગીચામાં 24 કલાક ઓક્‍સિજન આપનાર 12 હજારથી વધુ વૃક્ષો

સુરત: વિશ્વમાં સૌથી વિખ્યાત શહેર સુરતમાં એક તરફ ઊંચી ઊંચી ઇમારતો અને ઉદ્યોગો જોવા મળે છે, ત્યારે બીજી બાજુ સુરતને હરિયાળું બનાવવા માટેની કવાયત પણ સુરત મહાનગરપાલિકા દ્વારા જોરશોરમાં ચાલી રહી છે. આજ કારણ છે કે સુરતમાં બે બગીચા એવા બનાવવામાં આવ્યા છે. જેમાં ચોવીસ કલાક ઓક્સિજન આપનાર વૃક્ષો લગાડવામાં આવ્યા છે. લોકોને 24 કલાક ઓક્સિજન આપનારા વૃક્ષોની સંખ્યા બંને બાગમાં 12 હજારથી પણ વધુ છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નાના મોટા કુલ 228થી વધુ બગીચાઓ બનાવવામાં આવ્યા છે. જેમાં લાખોની સંખ્યામાં વૃક્ષો અને છોડ જોવા મળે છે. પરંતુ આ વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ બે બગીચાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ બંન્ને બગીચાઓને ઓક્સિજન બગીચા કહેવામાં આવે છે.

જેની પાછળનું મુખ્ય કારણ છે કે, આ બંને ભાગોમાં એવા વૃક્ષો લગાડવામાં આવ્યા છે કે જે 24 કલાક ઓક્સિજન લોકોને પ્રદાન કરે છે. સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ સુરતમાં બંને બાગોમાં 24 કલાક ઓક્સિજન આપનાર વૃક્ષોની સંખ્યા પણ સો-બસો નહિ, પરંતુ 12 હજાર જેટલી છે.

સુરતના ભીમરાડ અને ઉતરાણ ખાતે આ બંને ઓક્સિજન પાર્ક પાલિકાના બાગ બગીચા ખાતા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આશરે 1.30 કરોડના ખર્ચે બંને પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે. આ બંન્ને બાગમાં પીપળા, વડ, લીમડા, રબર પ્લાન્ટ, ફાયકસ, એરીકા પામ, પાંડાનસ, હરિદ્વાર તુલસી, શ્યામ તુલસી, રામ તુલસી, સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ, એલોવેરા સ્પાઈડર લીલી, પીસ લીલી, ડ્રેસીના ટ્રાય કલર જેવા 24 કલાક ઓક્સિજન આપનાર વૃક્ષ છે.

આ બંને ઓક્સિજન પાર્ક અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે પાલિકા દ્વારા આ બંને ઓક્સિજન પાર્ક તૈયાર કરાયા છે. જેથી લોકોને શુદ્ધ હવા અને હરિયાળી સુરતમાં મળી રહે. બંને પાર્કમાં 24 કલાક ઓક્સિજન આપનાર વૃક્ષોની સંખ્યા 12 હજારથી પણ વધુ છે. સ્થાનિક લોકોને સ્વચ્છ હવા 24 કલાક મળી રહે આ હેતુથી આ બંને પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે.

(4:17 pm IST)