Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

સુરતના કતારગામમાં ટયુશન ક્‍લાસીસમાં જુગારધામ ઝડપાયુઃ વિદ્યાર્થીઓને બોલાવી શકાતા ન હોવાથી સંચાલકે જુગારધામ ચાલુ કર્યું: 7 શખ્‍સોની ધરપકડ

સુરત: શહેરના કતારગામ સોનાણી ટ્યૂશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે ટ્યૂશન ક્લાસિસ બંધ રહેતા જુગારખાનુ ચાલુ કર્યું હતું. કતારગામ પોલીસે દરોડા પાડીને ટ્યૂશન સંચાલક સહિત 7 જુગારીની ધરપકડ કરી 7 ફોન અને રોકડ મળીને 64,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોરોનાને કારણે ગાઇડલાઇન અનુસાર ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાતા નથી. ત્યારે સંચાલકે જુગારીઓને બોલાવી આવક ચાલુ કરી હતી.

કતારગામ પોલીસને બાતમી મળી હતી કે વી.એન ગોધાણી સ્કુલની સામે સ્વસ્તિક આર્કેડના પહેલા માળે આવેલા સોનાણી ટ્યુશન ક્લાસીસમાં જુગાર રમાય છે. ટ્યુશન સંચાલક બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડે છે. તેની સામે તે નાળ ઉઘરાવે છે. તેથી કતારગામ પોલીસે સોનાણી ટ્યુશન ક્લાસમાં દરોડો પાડી સંચાલક ધર્મેશ સોનાણી ઉપરાંત 6ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેની પાસેથી રોકડા રૂપિયા અને 7 મોબાઇલ ફોન મળીને 64,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ધર્મેન્દ્રસિંગ ચાવડાએ જણાવ્યું કે, આ જુગારધામ કાયમી ધોરણે ચાલતું ન હતું. સોનાણી ક્લાસીસના સંચાલક ધર્મેશ સોનાણીએ લોકડાઉન દરમિયાન શાળાઓ અને ક્લાસીસ બંધ હોવાના કારણે ક્લાસીસ બંધ હતા. જેથી એકાંતનો લાભ લઇને જુગાર રમાડતો હતો. પોલીસને આ અંગેની બાતમી મળતા દરોડો પાડીને ઝુગારીઓને ઝડપી લીધા હતા.

(4:16 pm IST)