Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

રાજ્યમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સની સંખ્યા 2.10 લાખ: ડેટાબેઝ તૈયાર કરવાની કાર્યવાહી

કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે વિડીયો કોન્ફરન્સમાં આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ સરકારને આંકડા આપ્યા

અમદાવાદ :રાજ્યમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સના ડેટાબેઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં 2.10 લાખ જેટલા કોરોના વોરિયર્સ છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે થયેલા વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ ભારત સરકારને આંકડા આપ્યા છે.દેશના વડાપ્રધાન મોદી દ્વારા કોરોનાની રસી બાબતે મહત્વની જાહેરાતમા તમામ રાજ્યોને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સના ડેટાબેઝ તૈયાર કરવાની પણ સૂચના આપવામાં આવી છે. જેની ડેડલાઇન 31 ઓક્ટોબર 2020 નક્કી કરવામાં આવી છે.
   આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સઘન પ્રયાસ અને માર્ગદર્શનથી દેશ કોરોના રસીના સંશોધનમાં અગ્રેસર છે અને બે રસી ફેઝ-2 માં અને ત્રણ રસીનું સંશોધન અંતિમ તબક્કામાં પહોચી ગયું છે. જેથી ટૂંક સમયમાં કોવિડ-19ની રસી દેશમાં ઉપલબ્ધ થનાર છે ત્યારે રાજયમા કોરોનાની સારવાર આપવામાં અગ્રેસર સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામને પ્રાયોરિટીના ધોરણે રસી અપાશે રસીકરણના અમલીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા રાજય સરકાર દ્વારા શરુ કરી દેવામા આવી છે.
   આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર આપવામાં અગ્રેસર સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામને પ્રાયોરીટીના ધોરણે રસી આપવાનું નક્કી કરવામાં આવેલ છે અને તેના અમલીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. સરકારી આરોગ્ય સંસ્થાની સાથે સાથે ખાનગી હોસ્પિટલો,કોર્પોરેટ હોસ્પિટલ, આયુષ દવાખાના અને હોસ્પિટલ, ડેન્ટીસ્ટ, જનરલ પ્રેકટીસનર (એલોપેથી/આયુષ) વગેરે તમામની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.સાથે રાજ્યની 108 એમ્બ્યુલન્સ સેવા, આંગણવાડી સ્ટાફને પણ આવરી લેવાશે.આ કામગીરી માટે રાજ્ય કક્ષાએ મિશન ડાયરેક્ટર એન એચ એમ ને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે.જયારે જીલ્લા અને કોર્પોરેશન કક્ષાએ કલેક્ટર અને મ્યુનિ. કમિશ્નરને નોડલ અધિકારી નિમવામા આવ્યા છે

(10:58 am IST)