Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સુરત ઓપરેશનગૃપે વાપીમાંથી ફરસાણની આડમાં લઇ જવાતો 2.4 લાખનો દારૂ પકડ્યો: બે ઝડપાયા

સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન બુટલેગરો પર તવાઈ લાવશે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : દમણથી વ્યાપક પ્રમાણમાં થતી દારૂની હેરાફેરી અટકાવવા માટે સુરત રેન્જ આઇજીના સ્પેશ્યલ ઓપરેશન ગૃપે વાપીના ચલા વિસ્તારમાં નાકાબંધી કરી એક છોટા હાથી ટેમ્પો ઝડપી પાડ્યો હતો. જેમાંથી તેમણે  ફરસાણની આડમાં છૂપાવેલા રૂ. 2.4 લાખના દારૂ સાથે બેને પકડી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરાવનારા વાપીના સુનિલ મરાઠી અને તેના સાગરિતને તેમજ માલ મંગાવનાર આસિફ માંજરો અને તેના સાગરિતને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરત સ્પેશ્યલ ઓપરેશન ગૃપના સ્ટાફે બાતમીના પગલે વાપી ચલા મુક્તાનંદ માર્ગ પર નાકાબંધી હાથ ધરી હતી. એ દરમિયાન ત્યાંથી પસાર થતા છોટા હાથી ટેમ્પો નં. GJ-15-XX-4743 ને અટકાવી તેની જડતી લીધી હતી. જેમાંથી તેમને દારૂની 300 બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂ. 2.4 લાખ થવા જાય છે. આ દારૂ સાથે તેમણે ટેમ્પામાંથી રૂ. 5 હજારની કિંમતના ફરસાણના પેકેટ પણ મળી આવ્યા હતા. જેની નીચે દારૂ છૂપાવેલો હતો. આ દારૂ સાથે પોલીસે ટેમ્પો ચાલક વાપી ખોજા સોસાયટીમાં રહેતા સાદીક કમરૂદ્દીન જમાણી અને કરીમ તાજુદ્દીન ખેતાનીને પકડી પાડ્યા હતા. તેમની કડક પુછતાછ કરતા જણાવ્યું કે, આદારૂ વાપીના સુનિલ મરાઠી અને તેના સાગરીતે ભરાવ્યો હતો. જેને સુરતના આસિફ માંજરાએ મંગાવ્યો હતો. જેના પગલે પોલીસે સુનિલ મરાઠી અને આસિફ માંજરા સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે.

(1:12 pm IST)