Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ર૯મીએ પેટ્રોલ-પંપ સંચાલકો ડીઝલની ખરીદી નહિ કરે

બાયોડીઝલના ગેરકાયદે વેચાણ સામે એલાન-એ-જંગઃ પેટ્રોલ-ડીઝલ નહિ ઉપાડાયઃ આંદોલનના મંડાણઃ સરકારને રોજની કરોડોની ટેકસ આવકની નુકશાનીઃ જો પગલા નહિ લેવાય તો દર મંગળ-ગુરૂવારે પેટ્રોલ-ડીઝલ નહિ ઉપાડવા ફેડરેશનનો નિર્ણય : વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન થતા પેટ્રોલ પંપ સંચાલકો આક્રમક મૂડમાં: ર૯મી તારીખે 'નો પરચેઝ'નો નિર્ણયઃ તેમ છતાં પણ પગલાં ન લેવાય તો સપ્તાહમાં બે દિવસ પેટ્રોલ-ડીઝલ નહી ઉપાડેઃ રાજયના સચિવ સહિત ઉચ્ચકક્ષાએ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા રજૂઆત

રાજકોટ તા.ર૪ : રાજયમાં વેચાતા ગેરકાયદે બાયો ડીઝલના નામે કેમીકલના કાળો કારોબાર સામે અવાર-નવારની રજુઆતો પછી પણ રાજય સરકાર દ્વારા કોઇજ પગલા ન ભરાતા પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા એલાને-જંગના મંડાણ કરવામાં આવ્યા છે જેના ભાગ રૂપે આગામી ર૯ તારીખે પેટ્રોલ-પંપ સંચાલકો દ્વારા ''નો પરચેશ'' મતલબ ડેપોમાંથી પેટ્રોલ-ડીઝલ લેશે જ નહી ! અને જો આમ છતાં પણ યોગ્ય નહી થાય તો અઠવાડીયામાં બે દિવસ માલ નહી ઉપાડે.

રાજયમાં અનેક જગ્યાએ બિલાડીના ટોપની જેમ ગેરકાયદેસર બાયો-ડીઝલના સામે ઝેરી કેમીકલ્સનો ગેરકાયદેસર કારોબાર બે-રોકટોક ચાલે છે જેની અનેક વખત ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એશોશીએશન (FGPDA) દ્વારા રજુઆત કરવામાં આવી છે.

આમ છતાં રાજય સરકાર દ્વારા ઝેરી ધુંવાડો ઓકતા આ બાયોડીઝલના ગેરકાયદેસર  વેચાણ સામે કોઇજ કડક કાર્યવાહી હાથ ન ધરાતા ફેડરેશન દ્વારા લડતના મંડાણ કરવામાં આવ્યા છે.

જો કે રાજય સરકારમાંજ ઉચ્ચ સત્તાસ્થાને બેઠેલા અમુક લોકો અને રાજકીય પીઠબળ ધરાવતા મોટા માથાઓ દ્વારાજ આ કારોબાર ચલાવવામાં આવતો હોય કડક પગલા ભરાતા નથી. હા અમુક-અમુક દિવસે કોઇ-કોઇ જગ્યાએ બાયોડીઝલના નામે વેચાતા કેમીકલ્સનો જથ્થ સીઝ કરવામાં આવતો હોય છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એશોશીએશન દ્વારા ગઇકાલે અન્ન અને નાગરીક પુરવઠા સચિવને લેખીત પત્ર દ્વારા જણાવ્યું છે કે રાજયમાં છેલ્લા એક વર્ષથી ડુપ્લીકેટ બાયો ડીઝલનું વેચાણ થાય છે. જેને કારણે રાજયને ગ્રાહકને પર્યાવરણને તથા ડીલર ભાઇઓને ખુબજ નુકશાન થાય છે.

આ અંગે ફેડરેશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારાજ સંચાલીત ત્રણ ઓઇલ કંપની જેમાં ભારત પેટ્રોલીયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલીયમ તથા સરકારશ્રીને અનેક વખત રજુઆતો કરી હોવા છતા આજ-દિવસ સુધી કોઇ જ ગંભીરતા ન લેતા ગેરકાયદે ડુપ્લીકેટ બાયોડીઝલનો કાળો  કારોબાર અનેક ગણો વધી ગયો છે.

ફેડરેશન દ્વારા પત્રમાં જણાવ્યું છે કે કાળા કારોબાર સામે કોઇજ પગલા ન ભરાતા ના છુટકે દુઃખદ નીર્ણય લઇ આગામી  ર૯ ના રોજ 'નો પરચેશ'નું એલાન નકકી કરેલ છે અને ગેરકાયદે વેચાતા બાયો-ડીઝલના વેચાણ સામે યોગ્ય પગલા નહી ભરાય ત્યાં સુધી અઠવાડીયામાં બે દિવસ મંગળવાર અને શુક્રવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી કરીશું નહીં.

જો કે ઓઇલ કંપનીઓ પાસેથી પેટ્રોલ પંપ સંચાલકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહી કરે પરંતુ ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે વેચાણ તો ચાલુ જ રહેશે.

ઉલ્લેખનીય છે કે વિશ્વ આખુ હાલ વાતાવરણમાં ફેલાતા પ્રદુષણથી ચિંતિત છે અને પ્રદુષણ ઘટાડવા યુધ્ધના ધોરણે પગલા ભરે છે જયારે આવા ગેરકાયદે ઝેરી કેમીકલના વાહનોમાં વપરાશથી વાહનો ધુમાડો ઓકતા હોય વાતાવરણ પણ પ્રદુશિત કરે છે.

એક બાજુ પ્રદુષણ ઘટાડવા ઓઇલ કંપની યુરો-૬ ડીઝલનું વેચાણ કરે છે તેની સામે ઝેરી ધુમાડો ઓકતા કેમીકલ્સ સામે કોઇ જ પગલા ન ભરાતા હોય લોકોના આરોગ્ય સામે પણ જોખમ વધતુ જાય છે.

આ ઉપરાંત રાજય સરકારની આવકમાં પણ અબજો રૂપિયાનો ઘટાડો થયો છે.

રાજય સરકાર દ્વારા પેટ્રોલ - ડીઝલના વેચાણ સામે ટેકસ વસુલવામાં આવે છે જયારે કેમીકલ્સનાં વેચાણથી રાજય સરકાર ટેકસની અબજો રૂપિયાની આવક પણ ગુમાવી રહી છે છતાં પણ યોગ્ય પગલા નથી ભરાતાં.

આમ પ્રજાને સામાન્ય બાબતે દંડ ફટકારતી સરકાર ગેરકાયદેસર બાયોડીઝલના નામે વેંચાતા કેમીકલ્સ સામે અબજોની આવક ગુમાવી કેમ કડક કાર્યવાહી નથી કરતી તે પ્રશ્ને પણ ભારે ચર્ચા જગાવી છે.

જો કે આ અંગે અન્ન અને નાગરીક પુરવઠા સચિવશ્રી તુષાર ધોળકીયા દ્વારા ગઇકાલે જ રાજયના તમામ જીલ્લા કલેકટરશ્રીઓને આ અંગે યોગ્ય કરવા લેખિત જાણ કરતા આગામી દિવસોમાં બાયો ડીઝલના ગેરકાયદે વેપાર સામે પગલા ભરશે તેવું જાણવા મળ્યું છે.

(11:32 am IST)