Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

કામધેનુ યુનિવર્સિટીનો આઠમો પદવીદાન સમારોહ પશુપાલન વિના કૃષિની ક્લ્પના કરવી શક્ય નથી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાષ્ટ્ર અને સમાજના વિકાસ માટે પૂર્ણ કર્તવ્યભાવથી કાર્ય કરવા પદવીધારકોને રાજ્યપાલનો અનુરોધ: કામઘેનુ યુનિવર્સિટીના આઠમા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાનોને શુભકામના પાઠવતા રાજ્યપાલ :પશુપાલન વ્યવસાયનું દેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન : દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારતને સ્વાવલંબી બનાવવામાં ગુજરાતનો અગત્યનો ફાળો : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ: નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં ૬૭૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત: સ્નાતક કક્ષાના ૫૧૪, અનુસ્નાતક કક્ષાના ૧૪૫ તથા પીએચડીના ૧૪ વિદ્યાર્થીઓને પદવી અપાઈ

અમદાવાદ :ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કામધેનું યુનિવર્સિટીના આઠમાં દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનારા તેમજ સુવર્ણચંદ્રક મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતુ કે યુવા પદવી ધારકો પોતાના કાર્યક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપિત કરીને, રાષ્ટ્રના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપે.

રાજ્યપાલએ તૈતરીય ઉપનિષદમાં ઋષિ દ્વારા દર્શાવવામાં આવેલા આશીર્વચનોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, પદવીધારકો સત્યના માર્ગ પર કર્તવ્યધર્મનું પાલન કરી જ્ઞાનની સાધના દ્વારા સ્વયંને સતત જ્ઞાનવાન બનાવી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે. તેમણે જણાવ્યું હતું કે,આજ સૌ કોઈ અધિકારોની વાત કરે છે પરંતુ પોતાના કર્તવ્યપાલન પ્રત્યે જાગૃત નથી બનતા.
રાજ્યપાલએ આ અવસરે પશુપાલનના વ્યવસાયની મહત્તા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, પશુપાલન વિના કૃષિની કલ્પના શક્ય નથી તેમણે પશુપાલન અને કૃષિને એકબીજાના  પૂરક વ્યવસાય ગણાવ્યા હતા.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, દૂધના ઉત્પાદન ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવા પશુઓની નસલ સુધારણા કરવી અતિ આવશ્યક છે,ત્યારે કામધેનુ યુનિવર્સિટીમાંથી પદવી પ્રાપ્ત કરનારા યુવાનો આ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે.રાજ્યપાલએ ગુરુકુળ કુરુક્ષેત્રની ગૌશાળામાં પશુધનની નસલ સુધારણા માટે જે કાર્ય કર્યું તેના અનુભવો પ્રસ્તુત કર્યા હતા અને ભારતીય નસલની દેશી ગાયની ઉન્નત નસલના નિર્માણ માટે કાર્ય કરવા યુવાનોને આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઉન્નત પશુધન દ્વારા પશુપાલકો રાષ્ટ્રના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે. આ તકે રાજ્યપાલએ દૂધની ગુણવતા ચકાસવા માટે નેનો ટેક્નોલોજી આધારિત પરીક્ષણ કીટ તૈયાર કરવા બદલ કામધેનું યુનિવર્સિટી અને સંશોધકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
રાજ્યપાલએ દેશી નસલની ગાયને કૃષિ અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી ઉમેર્યુ હતું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણુંઓ હોય છે જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે, જ્યારે ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ અને ગૌ-મૂત્રમાંથી બનતા જીવામૃત, ઘનજીવામૃતની મદદથી થતી પ્રાકૃતિક કૃષિને રાજ્યપાલશ્રીએ આજના સમયની માંગ હોવાનું જણાવી ઉમેર્યુ હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્પ છે.
તેમણે જણાવ્યુ હતું કે, રાસાયણિક કૃષિ અને જંતુનાશકોના ઉપયોગથી જળ-જમીન અને પર્યાવરણ દુષિત થયા છે, જમીન બંજર બનતી જાય છે. રાસાયણિક કૃષિમાં કૃષિ ખર્ચ સતત વધતો જાય છે જ્યારે ઉત્પાદન દિનપ્રતિદિન ઘટતું જાય છે. દુષિત આહાર આરોગવાથી લોકો અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે. રાસાયણિક ખાતરોની સબસીડી પાછળ કેન્દ્ર સરકારને વર્ષે ૧ લાખ ૬૦ હજાર કરોડનો આર્થિક બોજ સહન કરવો પડે છે. જ્યારે પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે, દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે, કૃષિ ખર્ચ નહિવત આવે છે અને ઉત્પાદન ઘટતું નથી. સરવાળે ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે.
પ્રાકૃતિક કૃષિથી સ્વાસ્થ્યપ્રદ આહાર મળવાથી લોકોના આરોગ્યની રક્ષા થાય છે. રાજ્યપાલએ કૃષિ અને કિસાનોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતીને આવશ્યક ગણાવી હતી.
તેમણે પ્રાકૃતિક કૃષિ અને દેશી ગાયના જતન-સંવર્ધન માટે આગળ આવવા પદવીધારક યુવાનોને અનુરોધ કરી તેમના ઉજ્જવળ ભાવિ માટે શુભકામનાઓ પાઠવી હતી.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ પદવીદાન સમારોહમાં વર્ચ્યૂઅલી સંબોધતા કહ્યુ કે, પશુપાલન વ્યવસાયનું દેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન છે. વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૦-૨૧ દરમ્યાન પશુધનની વાર્ષિક વૃદ્ધિ દર વધીને ૭.૯૩% થયો છે. જેને લીધે દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારતને સ્વાવલંબી બનાવવામાં ગુજરાતનો અગત્યનો ફાળો છે. મિલાવટવાળા દુધની ચકાસણી કરવા સસ્તી, સરળ અને નાનામાં નાની વ્યક્તિ પણ ઉપયોગ કરી શકે તેવી નેનો ટેકનોલોજી આધારીત ડીપ સ્ટીકનું નિર્માણ કર્યું છે.
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે, કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે વર્ષ ૨૦૦૯માં કરી હતી.  
મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર પશુપાલનના વ્યવસાય થકી ખેડૂતો/પશુપાલકોની આવક બમણી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત રાજપુર તથા અમરેલી ખાતેની કોલેજોમાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ, રાજપૂર ખાતે વેટરનરી અને ફિશરીઝ કૉલેજ બિલ્ડીંગ અને હોસ્ટેલના આધુનિક ભવન નિર્માણ પામશે. વેરાવળ ખાતે ફીશરીઝ સાયન્સ કોલેજની બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જે સૌના પ્રયત્નો અને સહિયારા માર્ગદર્શન હેઠળ શક્ય બન્યું છે.
કૃષિ મંત્રીએ પશુપાલન, ડેરી તથા મત્સ્યઉદ્યોગ ક્ષેત્રે ભવિષ્યમાં જે પડકારો ઉભા થાય તેનો જ્ઞાન અને કુનેહથી જનહિતમાં ઉકેલ લાવી સમગ્ર વિશ્વના કલ્યાણમાં ભાગીદાર થવા પદવી પ્રાપ્ત કરતાં વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતુ.
પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની એસ. ઠાકરે કહ્યું કે, શિક્ષણ અને સંશોધનમાં શ્રેષ્ઠતા મેળવવી અને તમામ જીવોના કલ્યાણ તરફ દોરવા તેમજ પશુધન અને જળચર ઉછેરની ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી આ સંસ્થા કાર્યરત છે. વેટરનરી અને એલાઇડ સાયન્સમાં સંશોધનના અભ્યાસ અને સંચાલનની પ્રગતિને આ સંસ્થાએ આગળ ધપાવી છે. કામધેનુ યુનિવર્સિટીએ રાષ્ટ્રના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપી વેટરનરી અને સંબંધિત વિજ્ઞાનના ક્ષેત્રે વૈશ્વિકસ્તરે ખ્યાતિ મેળવી છે.
સ્વાગત પ્રવચન કરતા કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન.એચ. કેલાવાલાએ કહ્યું કે, કામધેનુ યુનિવર્સિટી એ ગુજરાતની એકમાત્ર વેટરનરી, ડેરી અને ફિશરીઝ સાયન્સની યુનિવર્સિટી છે જે વિદ્યાર્થીઓ અને પશુ માલિકો, માછીમારો અને ડેરી ઉદ્યોગ સાહસિકોની જરૂરિયાતો પૂરી કરે છે. જેથી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ વ્યાવસાયિક શિક્ષણ મળે અને પશુ માલિકોને તેમના પ્રાણીઓ માટે યોગ્ય આરોગ્ય સંભાળ કાર્યક્રમ મળે. શૈક્ષણિક પ્રવૃતિઓ ઉપરાંત,યુનિવર્સિટીમાં કેટલાક વિશેષ સંશોધન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકેશન સ્પેસિફિક ટેક્નોલોજી અને સમસ્યા-નિવારણ વ્યૂહરચનાથી ખેડૂતો સુધી યુનિવર્સિટીની  પહોંચ વધારી રહ્યા છીએ. તદુપરાંત ડૉ. કેલાવાલાએ યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો અને સિદ્ધિઓ અંગે માહિતી આપી હતી.  
આ પદવીદાન સમારોહમાં સ્નાતક કક્ષાના ૫૧૪ વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના ૧૪૫ વિદ્યાર્થીઓ અને પીએચડીના ૧૪ વિદ્યાર્થીઓ મળી કુલ ૬૭૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત  કરવામાં આવી છે. તે પૈકી અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે ૩ વિદ્યાર્થીનીઓને કુલાધિપતિ ગોલ્ડ મેડલ,સ્નાતક કક્ષાના અભ્યાસ માટે ૯ વિદ્યાર્થીઓને કુલપતિ ગોલ્ડ મેડલ તથા સ્નાતકના ૬ વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ તરફથી ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના કુલપતિઓ, કામધેનુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ,  અધ્યાપકો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

 

(6:41 pm IST)