Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

વડોદરાના હરણી મોટનાથ રોડ નજીક ટ્રાફિક જામની સમસ્યાથી સ્થાનિક લોકોને હાલાકી

વડોદરા: નાની-મોટી સ્કૂલો તેમજ ધાર્મિક સ્થળો ધરાવતા હરણી વિસ્તારમાં મોટનાથ રોડ પરના ટ્રાફિક સર્કલ પાસેની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે છેલ્લા ત્રણ વર્ષથી લડત આપતા સ્થાનિક રહીશોના પ્રશ્નનો ઉકેલ લાવવામાં તંત્રને રસ ના હોય તેમ લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે મોટનાથ મહાદેવ રોડ તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાંચ જેટલી સ્કૂલો આવેલી છે. શાળાઓના કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળોના કારણે રોડ પર રોજ શ્રધ્ધાળુઓ પણ આવતા જતા હોય છે. એટલું જ નહી પરંતુ પાર્ટી પ્લોટો પણ હોવાથી  વાહનોની સંખ્યા પણ દિવસ-રાત રહે છે. આ રોડ પર મોટનાથ ચાર રસ્તા પર હંમેશા ટ્રાફિકજામની સમસ્યા રહેતી હોય છે. એટલું જ નહી પરંતુ કેટલીક વખત અકસ્માતો પણ થાય છે.

શહેર પોલીસ દ્વારા મોટનાથ મંદિર ચાર રસ્તા પર સર્કલ બનાવવા અને ટ્રાફિક સિગ્નલ મૂકવા માટેની મંજૂરી આપી દેવાઇ છે પરંતુ હજી સુધી કોર્પોરેશન દ્વારા આગળની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. મોટનાથ લેક ઝોન અને મોટનાથ મુક્તિધામ આવતા જતા તેમજ રોડની બંને સાઇડ નો પાર્કિગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. પરંતુ નો પાર્કિગ ઝોનના બોર્ડ નીચે જ આખો દિવસ વાહનોના પાર્કિગના કારણે રોડ નાના થઇ જતા ટ્રાફિક સમસ્યા હંમેશા વકરતી જ રહે છે.

(6:20 pm IST)