Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સુરતના વેસુ વીઆઈપી રોડ નજીક ફરવા ગયેલ પરિવારના ઘરને નિશાન બનાવી તસ્કરો 5.37 લાખના દાગીના ચોરી છૂમંતર......

સુરત: વેસુ વીઆઇપી રોડ સ્થિત ભરથાણાના ઉમીયા બંગ્લોઝમાં રહેતો સોફ્ટવેર એન્જિનીયર પત્ની અને પુત્ર સાથે ગોવા ફરવા ગયો અને ઘરમાં માતા-પિતા સહિતના પરિવારની હાજરીમાં તેના બેડરૂમમાંથી સોનાના રૂ. 156.24 ગ્રામ વજનના રૂ. 5.37 લાખના દાગીના ચોરી થઇ જતા પોલીસ મુંઝવણમાં મુકાઇ છે.

વેસુ વીઆઇપી રોડ ભરથાણા સ્થિત ડીજીવીસીએલ કંપનીની ઓફિસ નજીક ઉમીયા બંગ્લોઝમાં રહેતા સોફ્ટવેર એન્જિનીયર અંશુ સુનીલ પાંડે (ઉ.વ. 30 મૂળ રહે. સંજોયેલ, તા. બડહરા, જિ. આરા, બિહાર) ગત 15 જૂને પત્ની નીતુ અને પુત્ર કાર્તીક સાથે ગોવા ગયો હતો. જયારે તેના માતા-પિતા અને નાના બે ભાઇ સહિતના પરિજનો ઘરે હોવાથી પોતાના બેડરૂમને લોક કર્યુ ન હતું. બીજા દિવસે ઘરઘાટી મહિલા ભાવનાબેન અંશુના રૂમની સફાઇ કરવા ગયા હતા. પરંતુ માતા કિરણબેને અંશુ નહીં હોવાથી સફાઇ કરવાની ના પાડી હતી. ત્યાર બાદ 21 જૂને અંશુ ગોવાથી પરત આવવાનો હોવાથી ભાવનાબેનને રૂમની સફાઇ કરવા માટે કહ્યું હતું. પરંતુ રૂમનો મેઇન દરવાજો ભાવનાથી નહીં ખોલતા સુનીલભાઇ અને તેમના પુત્રએ ધક્કો મારતા અંદરથી લોક તૂટી જતા દરવાજો ખુલી ગયો હતો. પરિજનોએ રૂમમાં જઇને જોતા કબાટના ડ્રોઅરનો સામાન વેરવિખેર અને તેમાંથી સોનાના 156.24 ગ્રામ વજનના રૂ. 5.37 લાખના દાગીના ગાયબ હોવાથી અંશુના માતા-પિતા અને ભાઇ સહિતનો પરિવાર ચોંકી ગયો હતો. ઉલ્લેખનીય છે કે અંશુની ગેરહાજરીમાં દરવાજો ખુલ્લો હોવા છતા લોક થઇ ગયો હતો અને રૂમની બારી અને ગેલેરીના દરવાજા પણ સલામત હોવા છતા દાગીના ચોરી થઇ જતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ છે.

(6:19 pm IST)