Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

તાજેતરમાં ૧૧૦ મામલતદારોની થયેલ બદલી રોકાવી દેતી સરકારઃ દરેક કલેકટરોને મૌખીક સુચના

નિવૃતિના આરે હોય તેમને પણ બદલાવી નાંખ્યા હતાઃ મંત્રીઓ-ધારાસભ્યોની ગાંધીનગરમાં થોકબંધ રજુઆત

રાજકોટ તા. ર૪: રાજય સરકારે તાજેતરમાં ૧૧૦ થી વધુ મામલતદારોની બદલીનો ગંજીપો ચીપ્યો હતો, તેમાં ૪૦ને તો પ્રમોશન પણ આપી દેવાયા હતા, ઉતાવળમાં કરેલી અને ચૂંટણી માટે મૂકાયેલા અને કરાયેલ બદલીઓમાં સરકારે કાચુ કાપ્યાનું અને જેમને નિવૃતિને હવે ૪ થી ૬ મહિના રહ્યા છે, તેવાની પણ બદલી થયાનું અથવા તો જે તે જીલ્લામાં ૪ થી પ મહિના પહેલા મુકાયા હોય તેવાની પણ બદલી કરાયાનું બહાર આવતા મોટો ઉહાપોહ મચી ગયો હતો, અધુરામાં પુરૃં જે મામલતદાર ૪ થી ૬ મહિનામાં નિવૃત થવાના હોય તેમને  ARO તરીકે ચૂંટણીનો ચાર્જ સોંપવો નહિં, ચૂંટણીની કામગીરી સોંપવી નહિં હોય તેવો ચૂંટણી પંચનો નિયમ તથા ગાઇડ લાઇન છે, આમ છતાં બદલીઓ કરી નખાઇ હતી.

આ બદલીઓ સામે દેકારો મચી ગયો હતો, ગાંધીનગર ખાતે મંત્રીઓ-ધારાસભ્યો પણ બદલીઓ સામે વિરોધ અંગે દોડી ગયા હતા, પરિણામે સરકારે તાકિદની અસરથી રાજકોટ સહિત દરેક-જીલ્લા કલેકટર તંત્રને સુચના આપી તમામ ૧૧૦ મામલતદારોની થયેલ બદલી અટકાવી દીધાનું કલેકટર કચેરીના મામલતદાર લેવલના અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું, તેમણે જણાવેલ કે લેખીતમાં આદેશો નથી આવ્યા, પણ મૌખિક સુચનાઓ આવી ગઇ છે, પરિણામે એક પણ મામલતદારને ચાર્જ નહિં છોડવા કહેવાયાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

(3:12 pm IST)