Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામે ખોટી પાવર ઓફ એટર્નીથી જમીન પચાવી પાડવાના મુદ્દે પોલીસે વધુ એક ફરિયાદ દાખલ કરી

નડિયાદ : કઠલાલ તાલુકાના મીરઝાપુર ગામે ખેડૂત ખાતેદારોની  ખોટી પાવર ઓફ એટર્નીથી જમીન પચાવી પાડવાનો વધુ એક કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો છે.આ ઘટનામાં આ સહીયારી જમીનની ઓનલાઇન એન્ટ્રીમાં અમદાવાદના કોઇ વ્યક્તિનું નામ જોતા આખો છેતરપીંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવ અંગે કઠલાલ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર મીરઝાપુર ગામે રહેતા પરસોત્તમભાઇ રેવાભાઇ પ્રજાપતિ ખેતમજૂરી કરી જીવનનિર્વાહ કરે છે. તેમની ખાતા નં. ૬૫થી સર્વે નં. ૨૬૮-૨,૨૬૮-૩,૨૯૭, ૨૯૮, ૩૦૦ તથા અન્ય વડીલોપાર્જિત જમીનો આવેલ છે. આ જમીનો તેઓના પરિવારજનોના નામે છે. જેના ૭/૧૨ અને ૦૮ અ ના ઉતારામાં તેઓના નામ ચાલે છે. ગત્ ૨૦મી ફેબુ્રઆરી,૨૦૨૨ના રોજ પરસોત્તમભાઇના દિકરા અશોકભાઇ અને તેમનો દિકરો ચિરાગ મોબાઇલમાં પોતાની જમીનની એન્ટ્રી જોતા હતા. જેમાં તેમની જમીનોની કાચી એન્ટ્રી કૃણાલ લાલજીભાઇ રબારી,રહે.૧૦૨૪, મોટો રબારીવાસ,અસલાલી, અમદાવાદના નામની હોવાનું જણાયેલ હતું. આથી તેઓ કઠલાલની મામલતદાર કચેરીમાં તપાસ કરવા ગયા હતા. જ્યાં દસ્તાવેજોની ચકાસણી કરતા રબારી કૃણાલે આ જમીનોની પરસોત્તમભાઇ અને અન્ય પરિવારજનોના નામની ખોટી પાવર ઓફ એટર્ની રજૂ કરેલ હતી. જેના આધારે કૃણાલે આ જમીનો પોતાના નામે કરી દીધી હતી. 

 

(6:28 pm IST)