Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

આણંદ શહેરમાં રખડતા પશુઓનો આતંક:રખડતા પશુઓને પાંજરે પૂર્વ એજન્સીને કામે લગાડવા કવાયત હાથ ધરવામાં આવી હોવાની માહિતી

આણંદ : આણંદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓની સમસ્યા બેફામ બની છે અને રવિવારે બે અલગ-અલગ સ્થળોએ વિફરેલી ગાયોએ બે વ્યક્તિઓને ગોથે ચઢાવ્યા બાદ આણંદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને રખડતા પશુઓને પાંજરે પુરવા માટે આગામી સપ્તાહથી એજન્સીને કામે લગાડવા કવાયત હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

વધુમાં મળતી માહિતી મુજબ આણંદ શહેરના બાલુપુરા રોડ પર રહેતા એક ૬૦ વર્ષીય વૃધ્ધ ગઈકાલ બપોરના સુમારે પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વિફરેલી ગાયે તેઓને અડફેટે લીધા હતા. જો કે સ્થાનિકોએ તુરત જ ઘટના સ્થળે દોડી જઈ ગાયને હાંકી કાઢી હતી. બીજી તરફ બપોરના સુમારે શહેરના ગામડી વડ નજીક આવેલ જુની આઈસ ફેક્ટરી પાસેથી પસાર થઈ રહેલ પેટલાદની ૬૦ વર્ષીય મહિલા ઉપર એક વિફરેલી ગાયે હુમલો કર્યો હતો. આણંદ પોતાના સંબંધીને ત્યાં આવેલ આ મહિલા ઉપર રખડતી ગાયે અચાનક હુમલો કરતા ભારે નાસભાગ મચી ગઈ હતી. દરમ્યાન સ્થાનિકોએ ઘટનાસ્થળે દોડી આવી મહિલાને બચાવી હતી.  લગભગ એકથી દોઢ કલાકના સમયગાળામાં આણંદ શહેરના બે અલગ-અલગ સ્થળોએ રખડતી ગાયોના હુમલામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સમગ્ર શહેરમાં રખડતા પશુઓ અંગે ઢીલી નીતી દાખવનાર પાલિકા તંત્રના સત્તાધિશો  સામે ભારે રોષ ભભૂક્યો હતો.દરમ્યાન આજે આણંદ પાલિકાના સત્તાધીશો આ મામલે હરકતમાં આવ્યા હતા. આ અંગે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે. ગરવાલ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે રખડતા પશુઓને પાંજરે પુરવાની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા બાદ જે-તે એજન્સી દ્વારા આ અંગે કામગીરી કરવામાં ન આવતા અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. પરંતુ રવિવારની ઘટના બાદ એજન્સીનો સંપર્ક કરી કડક વલણ દાખવવામાં આવતા આજે એજન્સી દ્વારા સીક્યુરીટી ડીપોઝીટ ભરવામાં આવી છે. સરકાર દ્વારા રખડતા પશુઓ અંગેના એક્ટને લઈ કામગીરી ગૂંચમાં પડી હતી પરંતુ આગામી સપ્તાહથી આણંદ શહેરમાં રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી  હાથ ધરવામાં આવશે અને જે પેટે પશુ માલિક પાસેથી દંડ પેટે રૂા. ૨૪૦૦ની વસૂલાત કરવામાં આવશે.

 

(6:28 pm IST)