Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

કેશવાનમાંથી ૯૮ લાખની ચોરીમાં ૧૦ ટીમની તપાસ

સીસીટીવીના આધારે આરોપીને પકડવાના પ્રયાસો : રીંગરોડ ઉપરના સીસીટીવી ફુટેજ મેળવાયા, પૈસા મૂકેલી લોખંડની પેટી અને ગુનામાં વપરાયેલ બાઇક સંદર્ભે તપાસ

અમદાવાદ,તા. ૨૪ : શહેરના એસજી હાઇવે પર રાજપથ કલબ પાસે મોડી સાંજે સીએમએસ કંપનીની કેશવાનના ડ્રાઇવર દ્વારા કરાયેલી રૂ.૯૮ લાખની સનસનીખેજ ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા એ ડિવીઝનની અધ્યક્ષતામાં ત્રણ જુદી જુદી ટીમો અને શહેર ક્રાઇમબ્રાંચની અલગ-અલગ છ સહિત કુલ દસ જેટલી ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે રીંગ રોડ પરના સીસીટીવી ફુટેજ મેળવી પૈસા મૂકેલી લોખંડની પેટી અને ગુનામાં વપરાયેલી બાઇકને લઇ તે દિશામાં પણ તપાસનો દોર આંરભી આરોપીને પકડવાની કવાયત તેજ કરી છે. ક્રાઇમબ્રાંચે ટૂંક સમયમાં જ આરોપી પકડાઇ જશે તેવો દાવો પણ કર્યો હતો.   સીએમએસ કંપનીની કેશવાનનો ડ્રાઇવર સુધીર તેના ગનમેન અને અન્ય બે કર્મચારીને ગઇ મોડી સાંજે ચામાં નશીલો પદાર્થ પીવડાવી બેભાન કરી પૈસા ભરેલી પેટી લઇ ફરાર થઇ ગયો હતો. મૂળ ઉત્તરપ્રદેશના ઇટાવાનો રહેવાસી ડ્રાઇવર સુધીર બપોરે ૨-૩૦ વાગ્યે એટીએમમાં પૈસા ભરવા માટે તેના ત્રણ સાથી કર્મચારીઓ ધવલ પાનવાલ, સિધ્ધાંત ચાવડા અને ગનમેન જિતેન્દ્રસિંહ ગુર્જરસિંહ તોમર સાથે નીકળ્યો હતો. સુધીરે કોર્ટયાર્ડ મેરિયોટ હોટલ પાસે કેફી પદાર્થવાળી ચા તેના સાથી કર્મચારીઓને પીવડાવી હતી અને સાંજે સાત વાગતાં  તેઓ રાજપથ કલબ પાસે એચડીએફસી બેંકના એટીએમમાં પૈસા ભરવા પહોંચ્યા હતા. પરંતુ કેફી દ્રવ્યની અસર થઇ હોવાના કારણે પેલા ત્રણ સાથી કર્મચારીઓ વાનમાં બેભાન થઇ ગયા હતા.          બીજીબાજુ, ડ્રાઇવર સુધીર વાનમાં લોખંડની પેટીમાં રહેલી રોકડ રૂ.૯૮.૧૦ લાખ ચોરી તેના સાગરિતો સાથે બાઇક પર ફરાર થઇ ગયો હતો. રાત્રે દસ વાગ્યાની આસપાસ ત્રણેય કર્મચારીઓ ભાનમાં આવતાં તેમને સમગ્ર હકીકતનો ખ્યાલ આવી ગયો હતો, તેમણે તરત જ ૧૦૮ને બોલાવી તબીબી તપાસ કરાવી હતી અને બીજીબાજુ, પોલીસને પણ જાણ કરી દીધી હતી. આટલી મોટી રકમની ચોરીને લઇ શહેર પોલીસ તંત્ર દોડતુ થઇ ગયું હતુ, તો ક્રાઇમબ્રાંચ પણ હરકતમાં આવી ગઇ હતી. પોલીસે આ સમગ્ર પ્રકરણની તપાસ માટે દસ અલગ-અલગ ટીમો બનાવી આરોપી ડ્રાઇવર સુધીરને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે રીંગરોડ પરના સીસીટીવી ફુટેજ પણ જપ્ત કરી તેમ જ ત્રણેય કર્મચારીઓના નિવેદનો નોંધી તેના આધારે તપાસનો દોર આગળ ધપાવ્યો છે.

(7:19 pm IST)