Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

હાર્દિકે ટ્વીટ કરી પૂછ્યો સવાલ

‘આનંદીબેનનું પાટીદાર આંદોલન સમયે જેમ રાજીનામું લીધુંતું, તેમ પદ્માવત પર થયેલી હિંસાના કારણે CM રુપાણીનું પણ રાજીનામું લેશો?’

અમદાવાદ: પદ્માવતનો વિરોધ કરેલા ટોળાએ મંગળવારે સાંજે અમદાવાદમાં મચાવેલા તોફાન બાદ હવે રાજકારણ ગરમાયું છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે કે, શું હિંસાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેલા વિજય રુપાણીનું રાજીનામું માગવામાં આવશે?

હાર્દિકે કહ્યું છે કે, પાટીદાર આંદોલન વખતે હિંસા થવાને કારણે આનંદીબેનનું રાજીનામું લેવામાં આવ્યું હતું, ત્યારે હવે ફિલ્મ પદ્માવત પર થઈ રહેલી હિંસા ન રોકી શકનારા સીએમ વિજય રુપાણીનું રાજીનામું માગવામાં આવશે? ઉલ્લેખનીય છે કે, હાર્દિક અગાઉ ફિલ્મ પદ્માવત સામે વિરોધ વ્યક્ત કરી ચૂક્યો છે, અને આ ફિલ્મ ન જોવા જવા પણ લોકોને અપીલ કરી ચૂક્યો છે.

પદ્માવત અંગે હાર્દિકે ફેસબુક પર લખ્યું હતું કે, ક્ષત્રિય સમાજે દેશની એકતા માટે પોતાના રજવાડાં મા ભારતીના ચરણોમાં એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર મૂકી દીધા હતા. ત્યારે, આપણી સૌની ફરજ બને છે કે પદ્માવત ફિલ્મ જોવા ન જવું.

મુખ્યમંત્રી રુપાણીને ખુલ્લો પત્ર લખતા હાર્દિકે ગુજરાતમાં આ ફિલ્મ કોઈ પણ સંજોગોમાં રિલીઝ ન કરવા માગ કરી હતી. હાર્દિકે આ પત્રમાં લખ્યું છે કે, કાનૂન વ્યવસ્થા અને સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખીને પદ્માવત ફિલ્મ પર ગુજરાતમાં પ્રતિબંધ મૂકવો જોઈએ. સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે, જો ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થઈ તો કાયદા-વ્યવસ્થાની જવાબદારી સરકારની રહેશે.

 

(1:15 pm IST)