Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

પદ્માવતઃ કોણ કરે છે હિંસા? પાટીદારોથી દાઝેલી સરકાર આ વખતે 'ભુલ' નહિ કરેઃ ફુંકી ફુંકીને પગલા

તોડ - આગચંપી બધુ આયોજનબધ્ધ રીતે થઇ રહ્યું છે

અમદાવાદ તા. ૨૪ : અમદાવાદમાં 'પદ્માવત' ફિલ્મનો વિરોધ હિંસક બની ગયો છે. મંગળવારે ઉગ્ર બનેલા ટોળાંએ સંખ્યાબંધ થિયેટરો અને મોલ્સ અને તેની બહાર પાર્ક કરાયેલા થિયેટર્સમાં તોડફોડ કરાઈ, ૨૫થી વધુ બાઈકોને આગ ચાંપી દીધી. 'પદ્માવત'નો વિરોધ કરી રહેલા આ લોકો સામે પોલીસ કેમ જોઈએ તેવી કડક રીતે કાર્યવાહી નથી કરતી, તેવો સવાલ સૌ કોઈ કરી રહ્યા છે. કેન્ડલ માર્ચ કરવા નીકળેલા આ લોકો હથિયારો લઈને આવ્યા, તો પોલીસે રોકયા કેમ નહીં એ પણ એક સવાલ છે.

અત્યાર સુધી 'પદ્માવત'નો વિરોધ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યો હતો, પણ જેમ-જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ-તેમ તેનો વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે અને હિંસક બની રહ્યો છે. ગત શનિવારે મહેસાણા જિલ્લામાં ૮ જેટલી એસ ટી બસોને આગ ચાંપી દેવાઈ હતી. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી રાજયના વિવિધ રસ્તાઓ પર ટાયરો સળગાવી ચક્કજામ કરી કરણી સેના વિરોધ પ્રદર્શન કરી રહી હતી. જયારે આજે અમદાવાદમાં જે રીતે તોડફોડ અને આગચંપી કરાઈ તે જોતાં એવું ચોક્કસ લાગી રહ્યું છે કે, આ બધું ખૂબ આયોજનબદ્ઘ રીતે થઈ રહ્યું છે. એવું પણ જોવામાં આવ્યું છે કે, તોડફોડ અને આગચંપી કરનારા લોકો પોતાની સાથે લાકડીઓ, લોખંડના સળિયા અને પેટ્રોલ પણ પોતાની સાથે લઈને આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વીએચપીના આતંરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ પણ આ ફિલ્મ રિલીઝ કરવાનો વિરોધ કરી ચૂકયા છે.

લોકોમાં થતી ચર્ચા મુજબ, પાટીદાર અનામત આંદોલન વખતે પોલીસે જે કડકાઈ બતાવી હતી, તેનો ભોગ ભાજપ સરકારને ચૂંટણીમાં બનવું પડ્યું હતું અને પોલીસના માથે પણ ઘણાં માછલાં ધોવાયા હતા. એટલે જ પોલીસ આ વખતે 'પદ્માવત'નો વિરોધ કરી રહેલાઓ સામે પ્રમાણમાં નરમ રીતે વર્તી રહી છે. પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલા લાઠીચાર્જ અને તે પછી ફાટી નિકળેલી હિંસા દરમિયાન પોલીસની કામગીરી સામે ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા અને પાટીદારોનો રોષ ચૂંટણીના પરિણામોમાં પણ જોવા મળ્યો હતો. એટલે, સરકાર આ વખતે એવી કોઈ ભૂલ કરવા નથી માગતી કે જેથી રાજપૂત સમાજ પણ સરકારથી નારાજ થઈ જાય, એવું ચર્ચાઈ રહ્યું છે.

કરણી સેના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કાલવી એક તરફ શાંતિપૂર્વક વિરોધની વાત કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં બનેલી હિંસક દ્યટનાઓ અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. દરમિયાનમાં પોલીસ કમિશનરે કહ્યું કે, હિંસક પ્રદર્શનો કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજયના ગૃહપ્રધાન અને કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ કહ્યું કે, ગુજરાતની શાંતિ ડહોળાય તેવા પ્રયાસોને સાંખી નહીં લેવાય. તેમણે એમ પણ કહ્યું કે, આ તોફાનો કરણી સેનાએ નહીં પણ ટોળામાં ભળી ગયેલા સાથે જ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં 'પદ્માવત'ફિલ્મ રજૂ નહીં થાય. આમ, સરકાર પણ મંગળવારના હિંસક પ્રદર્શનને જોતાં સતર્ક બની ગઈ છે. જોકે, સુરક્ષામાં ચૂક હોવાની વાત સરકારે નકારી દીધી હતી.

 'પદ્માવત' ફિલ્મને રિલીઝ કરવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે. આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. કરણી સેનાના પ્રમુખ એક તરફ તો એવું કહી રહ્યા છે કે 'અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો આદર કરીએ છીએ અને બીજી તરફ કહી રહ્યા છે કે, અમે ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ.' ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણાની સરકારોએ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો હતો. તેમ છતાં આ રાજયો કોઈ રિસ્ક લેવા માગતા નથી અને ફિલ્મ રિલીઝ ન થયા તે માટે પ્રયત્નશીલ છે. આમ, 'પદ્માવત'ના વિરોધમાં જે રીતે રાજકારણ ભળ્યું છે, તેને જોતા આ મામલો તાત્કાલિક તો શાંત પડે તેવું લાગતું નથી.

(10:05 am IST)