Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

નારાયણ સાઈ સામેના લાખોની લાંચનો કેસ અમદાવાદ ખાસ અદાલતમાં ટ્રાન્સફર આદેશ : ઇડીની માંગણી મંજુર

હવે કેસ અમદાવાદ ગ્રામ્યની પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલશે

સુરત,તા.૨૩ : સાધિકા પર બળાત્કારના કેસમાં જેલભેગા થયેલા નારાયણ સાંઈ તથા અન્યો વિરૂધ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલા રૂપિયા ૧૩ કરોડની લાંચનો કેસ અમદાવાદ ગ્રામ્યની ખાસ અદાલતમાં ટ્રાન્સફર કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ માગ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) દ્વારા કરાઈ હતી.જેના એસીબીની ખાસ અદાલતના એડીશનલ સેશન્સ જજ ડી.પી.ગોહીલે મંજૂર રાખતાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટની જોગવાઈ મુજબ સુરત ડીસીબી પોલીસમાં નોંધાયેલા તથા એસીબી કોર્ટમાં ચાલતા કેસો હવે અમદાવાદ ગ્રામ્યની પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલશે.

નારાયણ સાંઈ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાધિકા બળાત્કાર કેસની તપાસ સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓને રૂપિયા ૧૩ કરોડની લાંચ આપવાની ગોઠવણ કરાઈ હોવાની વાતનો પર્દાફાશ સુરત ક્રાઈમ બ્રાંચે કર્યો હતો.

આરોપી નારાયણ સાંઈના ઈશારે સુરત ક્રાઈમ બ્રાંચના તત્કાલીન પીએસઆઈ ચંદુ મોહન કુંભાણી, સાધક કૌશિક પોપટલાલ વાણી, બિલ્ડર કેતન પટેલ તથા અન્ય સાત જેટલા આરોપીઓ વિરૂધ્ધ ૧૩ કરોડની લાંચનો વધુ એક ગુનો દાખલ થયો હતો. આ પૈકી ૮.૧૦ કરોડની લાંચની રકમ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત આસારામના આશ્રમમાંથી મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાના ૪૨ પોટલામાંથી ખોટા બિન ઉપયોગી દસ્તાવેજી પોટલા રજુ કરી આરોપીને બચાવવા ઉપરાંત તપાસ ઢીલી કરવાનો કારસો રચવામાં આવ્યો હતો.

સુરત સ્થિત ઈ.ડી.ના આસિસ્ટન્ટ ડાયરેકટર દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટની કલમ-૪૪ મુજબ સુરત ક્રાઈમ બ્રાંચમાં મુખ્ય આરોપી નારાયણ સાંઈ સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધ નોંધાયેલા લાંચના કેસોને અમદાવાદની ડેઝીગ્નેટેડ કોર્ટમાં ટ્રાન્સફર કરવા અરજી કરાઈ હતી.

(4:03 pm IST)