Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

આરંભે શૂરા : વડોદરાની SSG હોસ્પિટલમાં આગની ઘટનાના 45 દિવસ બાદ પણ તપાસ કમિટીનો રિપોર્ટ હજુ તૈયાર નથી !

વડોદરા :શહેરની સયાજી હોસ્પિટલમાં આગની ઘટનાને 45 દિવસ વીતવા છતાં હજુ પણ તપાસ કમિટી આગના બનાવ અંગેનો રિપોર્ટ સુપરત કરી શકી નથી. જેના કારણે તપાસ કમિટી સામે અનેક સવાલો ઉભા થયા છે.ધમણ વેન્ટિલેટરમાં આગ લાગ્યા બાદ હોસ્પિટલમાં આગ વધુ પ્રસરી હોવાનું CCTV ફુટેજમાં પણ જણાઈ આવ્યું છે.બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા  હજુ સુધી રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો નથી. તેમજ એફ.એસ.એલનું રટણ રડી જવાબદારીથી છુટકારો મેળવી રહ્યા છે.

 સયાજી હોસ્પિટલના કોવિડ ISU વોર્ડના પ્રથમ માળે 8 સપ્ટેમ્બરની રાત્રે આગ લાગી હતી. જે અંગે તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી. આ તપાસ કમીટિમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલ ગોત્રી, GMERS હોસ્પિટલના ડીન વર્ષાબેન અને એસોસિયેટ પ્રોફેસર નીતા બોસ તેમજ MGVCLના સુપ્રિટેન્ડન્ટ ઇજનેર બી.જે દેસાઈની નિંમણૂક કરવામાં આવી હતી. જેઓને બને તેટલી વહેલી તકે આગ અંગેનો રિપોર્ટ સુપરત કરવા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં લાગેલી આગનો રિપોર્ટ આવવાનો બાકી છે, પરંતુ જે દિવસે આગ લાગી તે વખતે દમણ વેન્ટિલેટરમાંથી આગની શરૂઆત થઇ હતી. તેવું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું હતું. તે સમયે સયાજી હોસ્પિટલના એક અધિકારીએ તો વેન્ટિલેટર 24 કલાક સતત ચાલે તો તેમાં સ્પાર્ક થવાની શક્યતાઓ રહેલી છે. તે વાતનો સ્વીકાર પણ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ધમણ વેન્ટિલેટરની ખરીદી થઈ હતી. ત્યારે પણ વિવાદ સર્જાયો હતો. હવે સયાજી હોસ્પિટલમાં લાગેલી આગ અંગે જે રિપોર્ટ રજૂ કરવાનો છે. તેમાં પણ વિલંબ થઈ રહ્યો છે. તો બીજી તરફ તેની પાછળ ધમણ વેન્ટિલેટર હોય તેવી ચર્ચા ચાલી રહી છે.

(1:13 pm IST)