Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દિવાળીના તહેવારને લઈને ફૂડ વિભાગ એલર્ટ : તમામ 33 જિલ્લામાં મીઠાઈ-ફરસાણની દુકાનોમાં થશે ચેકિંગ

મોટા શહેરોમાં કોર્પોરેશન, આરોગ્ય વિભાગને સાથે રાખીને કરાશે કાર્યવાહી : તેલની પણ થશે તપાસ

ગાંધીનગર: દશેરા અને દિવાળીના તહેવારોના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યની જનતાને ખરાબ વસ્તુ અને મીઠાઈથી બચાવવા રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજ્યના તમામ જિલ્લામાં તપાસના આદેશ આપ્યા છે.

રાજ્યમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં તપાસ બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશ્નર એચ.જી કોશિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી દશેરા અને દિવાળીના તહેવાર નિમિત્તે રાજ્યની જનતાને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી શકે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યના 33 જિલ્લામાં વિભાગને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા જેવા મોટા શહેરોમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગને સાથે રાખીને મીઠાઈની દુકાન અને ફરસાણની દુકાનો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોને ધ્યાનમાં રાખીને લુઝ આઈટમ પણ ક્યારે બનાવવામાં આવી છે અને કેટલા સમય સુધી ઉપયોગ કરી શકાશે તેવી વિગત રાખવી ફરજિયાત છે. ત્યારે આ નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગેનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. આ સાથે જ આ તહેવારની સિઝન દરમિયાન ઘી, દૂધ, મીઠાઈ, માવા, સહિતની તમામ ખાદ્ય ચીજવસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ફરસાણની દુકાનોમાં તેલ કેટલું શુદ્ધ અને તળવા લાયક છે, તે અંગેની તપાસ પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.

(9:51 am IST)