Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

લર્નિંગ લાયસન્સમાં નવા નિયમના કારણે એજન્ટ પ્રથા અને ભ્રષ્ટ્રાચારને પ્રોત્સાહન

નિવૃત મોટર વાહન નિરીક્ષક જી.એમ. પટેલે નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખ્યો

અમદાવાદ :વાહનચાલકો માટે લર્નીંગ લાયસન્સની પરીક્ષામાં પૂછાતાં પ્રશ્નોમાંથી 60 ટકા જવાબ સાચા હોય તો પાસ ગણવાના રહે છે. પરંતુ ગુજરાતમાં પાસીંગ ધોરણ 73 ટકા રાખવામાં આવ્યું છે. જેના કારણે ઘણાં લોકો નાપાસ થાય છે. પરિણામ સ્વરૂપે તેમણે એજન્ટનો સહારો લેવાની ફરજ પડે છે. આમ આ નવા નિયમના કારણે એજન્ટ પ્રથા તથા ભ્રષ્ટ્રાચારને પ્રોત્સાહન મળે છે. જેથી કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989ના નિયમ 11 ( 4 )નો અમલ તાત્કાલિક ધોરણે થાય તેવી નિવૃત મોટર વાહન નિરીક્ષક જી.એમ. પટેલે માંગણી કરી છે. તેના સંદર્ભમાં ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલને ખુલ્લો પત્ર લખ્યો છે.

નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક જી.એમ. પટેલે ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, લર્નીંગ લાયસન્સ મેળવવા માટે અરજદારે કોમ્પ્યુટર પર ટેસ્ટ આપવાનો રહે છે. કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989ના નિયમ 11 ( 4 ) અનુસાર પૂછવામાં આવેલા કુલ પ્રશ્નોના 60 ટકા જવાબ સાચા આપવામાં આવે તો તેને પાસ ગણવાના રહે છે. પરંતુ ગુજરાત મોટર વાહન વિભાગ, ગાંધીનગર દ્વારા તેનું અમલીકરણ થતું નથી. નિયમ 11 ( 4 )માં સ્પષ્ટ જોગવાઇ હોવા છતાં વાહન વ્યવહાર કમિશનર દ્વારા પાસીંગ ધોરણ 73-33 ટકા રાખવામાં આવ્યું છે.

આ અંગેની વિસ્તૃત લેખિત રજૂઆત તેમને 15-4-2021ના રોજ કરવામાં આવી હતી. તેમ છતાં વાહન વ્યવહાર કમિશનર દ્વારા લેખિતમાં પ્રત્યૃત્તર પાઠવવામાં આવ્યો છે. કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989ના નિયમ 11 મુજબ ઓછામાં ઓછા 60 ટકાની ન્યૂનતમ મર્યાદા જાળવી 15માંથી 11 પ્રશ્નોમાં સફળ થવાની પધ્ધતિ અમલી બનાવવામાં આવી છે. જે કાયદેસર છે. ખરેખર 60 ટકાની ગણતરી કરવામાં આવે તો 15માંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપે તો પાસ ગણવાના રહે છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, વાહન વ્યવહાર કમિશનર દ્વારા સાચી હકીકત જાણવા હોવા છતાં નિયમ 11 ( 4 )ની જોગવાઇનું ઉલ્લંઘન કરી પાસ થવાનું ધોરણ ઊંચુ રાખવાના કારણે આડકતરી રીતે એજન્ટ પ્રથાને મજબૂત કરવાનું અને ભ્રષ્ટ્રાચારને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યાં છે. હાલની લર્નીંગ લાયસન્સ પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 15માંથી 9 પ્રશ્નોના સાચા જવાબ માન્ય રાખવામાં આવે તો અરજદારો સરળતાથી પાસ થઇ શકે, પાસીંગની ઊંચી ટકાવારીના કારણે પાસ થવા માટે આરટીઓ એજન્ટનો સહારો લેવો પડે અને ભ્રષ્ટ્રાચારને પ્રોત્સાહન મળે છે. જેથી કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989ના નિયમ 11 ( 4 ) અનુસાર લર્નીંગ લાયસન્સ મેળવવાની પરીક્ષાનું ધોરણ 15માંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપનારને પાસ ગણવા માટેની પધ્ધતિનો અમલ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી વિનંતી કરી છે.

(11:52 pm IST)