Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

વલસાડમાં ચાલતો આઇપીએલનો સટ્ટો પકડાયો :સિટી પોલીસે નાના તાઇવાડ વિસ્તારમાં દરોડો પાડી 3 જુગારિયાઓને ઝડપ્યા

વલસાડમાં પેલા પણ સટોડિયા પકડાયા છે જ્યારે હવે નવનિયુકત જિલ્લા પોલીસ વડા સટોડિયાની કોલ ડિટેલ તપાસ કરશો તો અનેક મહાનુભાવો બહાર આવશો તેવી ચર્ચા છે

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડમાં દર વર્ષે આઇપીએલની સિઝનમાં જુગારિયાઓ બેફામ બની જતા હોય છે. આ વર્ષે પણ આ જ રીતે ટુર્નામેન્ટ શરૂ થતાં કેટલાક જુગારિયાઓ સક્રિય થઇ ગયા હતા. જેની બાતમી મળતા વલસાડ સિટી પોલીસે તેમના નાના તાઇવાડ સ્થિત અડ્ડા પર દરોડો પાડી 3 જુગારિયાઓને ટીવી પર ચાલતી લાઇવ મેચ જોઇ તેના થકી મોબાઇલ પર જુગાર રમાડાતા પકડી પાડ્યા હતા. પોલીસે તેમના પાસેથી રૂ. 12,800 રોકડા તેમજ 5 મોબાઇલ અને 2 મોપેડ પણ કબજે લીધા હતા.
 વલસાડના નાના તાઇવાડમાં એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી વલસાડ સિટી પોલીસના કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાયને મળી હતી. જેના પગલે સિટી પીઆઇ એચ. જે. ભટ્ટના માર્ગ દર્શન મુજબ પીએસઆઇ પરમાર તેમજ તેની ટીમે નાના તાઇવાડમાં પારનીવાડ પાસે આવેલા મદ્રેસા સામેના આરિફ ચિખલિયાના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આરિફ ચિખલિયા, ઇમરાન ઉર્ફે લાંબો મહમદ મન્સૂરી અને સુનિલ ઉર્ફે છાપ ભીખુ પટેલ ટીવી પર રાજસ્થાન રોયલ અને ચેન્નઇ સુપરકિંગ્સ ની મેચ ટીવી પર લાઇવ જોઇ મોબાઇલ પર ઓનલાઇન સટ્ટો રમાડતા પકડાઇ ગયા હતા. તેઓ મોબાઇલ પર એક વેબ સાઇટ પર આ જુગાર રમતા હતા. તેમજ તેમની પાસે એક બોર્ડ પર પણ ચીરાગ, વિશાલ, નસરુ, અશોક, વીરલ, રીઝવાન, મેલુ, ઉજેફા અને કલીમનું નામ લખ્યું હતુ. આરીફ અને ઇમરાન સાથે વાપીનો સોહિલ પણ આ જુગારના વેપલામાં જોડાયો હતો. પોલીસે આરીફ, ઇમરાન લાંબો અને સુનીલ છાપને પકડી તેમની પાસેથી રોકડા રૂ. 12,800, રૂ. 35,500ના 5 મોબાઇલ, 2 મોપેડ મળી કુલ રૂ. 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરી તેમની વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમજ તેના સાથી સોહિલને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ કેસમાં પોલીસે બોર્ડ પર લખાયેલા 10 નામો કોના છે અને તેઓ પણ જુગાર રમતા હતા કે નહી, તેની તપાસ હાથ ધરી છે.

(6:26 pm IST)