Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

બ્લેક ફંગસથી મોતમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે

કોરોના બાદ બ્લેક ફંગસના કહેરએ લોકોને ધ્રૂજાવ્યા : મ્યુકોરમાઇકોસિસ ના કુલ ૪૫,૩૭૪ કેસ જેમાંથી ૩૫% મહારાષ્ટ્રમાં ૯,૩૪૮ અને ગુજરાતમાં ૬,૭૩૧ નોંધાયા

અમદાવાદ,તા.૨૩ : બીજી લહેર દરમિયાન રાજ્યમાં મ્યુકોરમાઇકોસીસનું સંક્રમણ ભયાનક રીતે ફાટી નીકળતાં ઘણાને હજી પણ તેના દુઃસ્વપ્નો આવતા હશે. કોરોના થયા પછી માંડ કરીને જીવ બચે ત્યારે બ્લેક ફંગસ તરીકે ઓળખાતા મ્યુકોરમાઇકોસિસનાં સંક્રમણથી અનેક લોકોને પોતાના જડબા, આંખ, નાક જેવા અંગો ગુમાવવાનો વારો આવ્યો છે તો કેટલાય લોકોએ આ ફૂગને કારણે જીવ ગુમાવ્યો છે. ૨૦મી જુલાઈએ રાજ્યસભામાં રજૂ કરેલા ડેટામાં જાણવા મળ્યું છે કે ભારતમાં કોવિડ-૧૯ પછી મ્યુકોરમાઇકોસિસ સંક્રમણના કુલ ૪૫,૩૭૪ કેસ નોંધાયા છે, જેમાંથી ૩૫% એકલા મહારાષ્ટ્ર (૯,૩૪૮) અને ગુજરાત (૬,૭૩૧) માંથી નોંધાયા છે. જે પૈકી મહારાષ્ટ્રમાં ૧,૧૨૯ દર્દીના મોત પછી ૬૫૬ દર્દીઓના મોત સાથે ગુજરાત સમગ્ર ભારતના ૧૫ ટકા મૃત્યુઆંકમાં બીજા ક્રમે છે. મ્યુકોરમાઇકોસિસ સિવાયના કોવિડ -૧૯ કેસોના વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે ગુજરાતમાં 'બ્લેક ફંગસ'નું વ્યાપક સંક્રમણ નોંધાયું છે.

       રાજ્ય સરકારના આંકડા પ્રમાણે એપ્રિલ ૧ થી ૩૦ જૂન દરમિયાન ગુજરાતમાં ૫.૧૫ લાખ કોવિડ -૧૯ કેસ નોંધાયા છે. એટલે કે આ પૈકી ૧.૩ ટકા લોકોને કોરોના પછી મ્યુકોરમાઈકોસિસનું સંક્રમણ થયું છે. બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતમાં દર ૧૦૦૦ કોવિડ -૧૯ દર્દીઓમાંથી ૧૩ દર્દીઓને બ્લેક ફંગસનો ચેપ લાગ્યો છે. આ સંખ્યા મહારાષ્ટ્રની તુલનામાં ટકાવારીની દ્રષ્ટીએ ઘણી વધારે છે જ્યાં બ્લેક ફંગોસનો વ્યાપ ૦.૩% પ્રતિ ૧,૦૦૦ કેસોમાં ૩ હતો, અને રાષ્ટ્રીય સરેરાશ ૦.૨% પ્રતિ ૧,૦૦૦ કેસોમાં ૨ લોકોને બ્લેક ફંગસનું સંક્રમણ નોંધાયું છે. શહેરમાં પ્રેક્ટિસ કરતાં સિનિયર ઇએનટી સર્જન ડો.અમીત વિશ્વકર્માએ કહ્યું કે આ માટે ઘણા પરિબળો જવાબદાર છે. ગુજરાતને લાંબા સમયથી ભારતની ડાયાબિટીસની રાજધાની માનવામાં આવે છે અને તે કોવિડ -૧૯ દર્દીઓમાં એક મોટી કોમોર્બિડિટીની સમસ્યા માનવામાં આવે છે. કોવિડથી રિકવર થયેલા દર્દીઓની ઓછી ઈમ્યુનિટી ફૂગના ફેલાવા માટે માર્ગ મોકળો કરે છે. ગુજરાતના મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના વધુ અભ્યાસથી બે પડોશી રાજ્યો કરતાં આપણે ત્યાં કેમ તેના વધુ કેસ નોંધાયા આ અંગે થોડી સ્પષ્ટતા મળી શકે છે. ચેપી રોગોના નિષ્ણાત અને ગુજરાત કોવિડ -૧૯ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.અતુલ પટેલે જણાવ્યું હતું કે, કોવિડ -૧૯ દર્દીઓમાં એમએમ અંગેનો ચાલુ અભ્યાસ દર્શાવે છે કે સંક્રમણના પર્યાવરણીય પરિબળો પણ ધાર્યા કરતા વધુ ભૂમિકા ભજવી શકે. *એવી સ્પષ્ટ સંભાવના છે કે તે સમય દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના વાતાવરણમાં રહેલા વધુ ફંગલ બીજની હાજરી તેના ફેલાવામાં વધુ મદદ કરે છે. તાજેતરમાં સ્વાઇન ફ્લૂ-એસ્પર્ગીલસ ફૂગના કેસમાં કરવામાં આવેલ એક કેનેડિયન અભ્યાસમાં દર્શાવાયું છે કે ફેફસામાં ફંગલ ઇન્ફેક્શનની ઘટના કેવી રીતે એક નિશ્ચિત વાતાવરણ દરમિયાન વર્ષના કેટલાક સમય કરતાં વધુ અસર કરેછે. રાજ્યના તબીબોએ એમ પણ કહ્યું હતું કે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં વધુ સંખ્યા કેસ છે, તેનું એક કારણ એ પણ હોઈ શકે કે જ્યાં ઘણા દર્દીઓ ચેપ માટે ઔપચારિક હોસ્પિટલમાં જતા ન હતા. લગભગ ૯૯.૯% મ્યુકોરમાઈકોસિસના કેસોમાં દર્દીને કોવિડ-૧૯ હોવાની હિસ્ટ્રી હતી. સિવિલ હોસ્પિટલના ઇએનટી સર્જન ડો.દેવાંગ ગુપ્તાએ જણાવ્યું કે, આવા દર્દીઓ સામાન્ય રીતે આધેડ વયના હતા અને તેમને એક અથવા વધુ કોમોર્બિડિટીની સમસ્યા હતી. આ સાથે તેમણે ઉમેર્યું કે કોવિડ -૧૯ ની તીવ્રતા અને એમએમ કેસો વચ્ચે કોઈ સંબંધ નથી - કેટલાક કિસ્સાઓમાં, અમે કોવિડની ખૂબ જ સામાન્ય અસર પછી પણ કેટલાક મહિનાઓ બાદ દર્દીમાં એમએમનું સંક્રમણ જોયું હતું. રાજ્યસભાના ડેટામાં જણાવાયું છે કે ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસનો મૃત્યુ દર ૯.૭ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૯.૫ ટકાની સરખામણીએ વધુ છે. જ્યારે બ્લેક ફંગસના કેસમાં રાજ્યનો રિકવરી રેટ ૬૮% જેટલો હતો. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડેટામાં સમયગાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ તેમાં ૮૦૦ સક્રિય કેસ જોવા મળ્યા, જે ગુરુવારે સવારે ૧૦૦ થી ઓછા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં, જે ગુજરાતમાં સૌથી વધુ મ્યુકોરમાઇકોસિસ કેસ ધરાવે છે, ત્યાં લગભગ ૨૦ સક્રિય દર્દીઓ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જોકે અમને સર્જરી થઈ ગઈ હોય તે દર્દીની પણ ફરી સર્જરી કરવી પડે તેવો દરરોજ ઓછામાં ઓછો એક કેસ મળી રહ્યો છે. જે મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ફરી સર્જરી માટે અમદાવાદ આવે છે.

(7:54 pm IST)