Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

આર્મીમેનના દ્વીતીય પત્ની પેન્શન માટે હાઈકોર્ટના દ્વારે

આર્મીમેનના બીજી પત્ની હોવાથી પેન્શનનો દાવો : રાજ્ય સરકાર દ્વારા પેન્શન અપાય છે પરંતુ આર્મી દ્વારા પેન્શન બંધ કરાતા વિધવાએ કોર્ટનો આશરો લીધો

અમદાવાદ,તા.૨૧ : બીજા પત્ની હોવાને કારણે આર્મીએ પેન્શન આપવાની ના પાડતા નિવૃત્ત આર્મીમેનના વિધવાએ ગુરુવારના રોજ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અડાલજમાં રહેતા ૭૬ વર્ષીય લલિતાબેન પટેલ અને તેમના દીકરી હેતલબેને પિટિશન દાખલ કરી છે જેમાં કેન્દ્ર અને સેના સેવા કોર્પ્સને અરજી કરી છે કે તેમના પતિ પ્રભુદાસ પટેલને ડિસેમ્બર, ૨૦૧૯માં મૃત્યુ થયુ ત્યાં સુધી પેન્શન મળતુ હતું તે હવે તેમને મળવું જોઈએ. એડવોકેટ ગિરિશ પટેલના જણાવ્યા અનુસાર, પ્રભુદાસ પટેલનો જન્મ ૧૯૪૩માં કેન્યામાં થયો હતો અને તેમનો ઉછેર આફ્રિકન દેશમાં થયો હતો. ભારત પાછા ફર્યા પછી તેઓ ફેબ્રુઆરી, ૧૯૬૩માં આર્મીમાં જોડાયા હતા. તેમણે ૧૯૭૨માં તરુલતા ચાવડા નામના મહિલા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના આઠ દિવસ પછી તેઓ પ્રભુદાસને છોડીને જતા રહ્યા હતા.

    પ્રભુદાસ પટેલે ૧૯૭૭માં લલિતાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ પણ છે. તેમણે ૧૯૭૮માં આર્મી છોડી દીધી અને રાજ્ય સરકારના એક વિભાગમાં વૉચમેનની નોકરી સ્વીકારી. તેઓ ૨૦૦૩માં નિવૃત્ત થયા હતા. તેમને રાજ્ય સરકારની નોકરી તરફથી અને આર્મી તરફથી પેન્શન મળતુ હતું. પ્રભુદાસના મૃત્યુ પછી તેમના વિધવા પત્નીને રાજ્ય સરકાર તરફથી પેન્શન મળી રહ્યુ હતું પરંતુ આર્મીએ તેમને પેન્શન આપવાનું બંધ કરી દીધું. તેમણે પેન્શન મેળવવા માટે અરજી કરી પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી અને કારણ જણાવવામાં આવ્યું કે તેઓ પેન્શનરના બીજા પત્ની છે અને તેમની સર્વિસ બુકમાં પ્રથમ પત્નીનું નામ લખેલું છે. પ્રભુદાસના વિધવાએ સૈનિક વેલ્ફેર અને રિસેટલમેન્ટ ઓફિસમાં અનેક વાર પત્રો લખ્યા અને જણાવ્યું કે તેમને પ્રથમ પત્ની ક્યાં છે તે વિષે કોઈ જાણકારી નથી અને તેમણે આજ સુધી પેન્શન પર દાવો પણ નથી કર્યો.ફગાવાયો

(7:52 pm IST)