Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સુરતમાં વેપારીના નામે કિશોર પાર્સલ આપીને જતો રહ્નાઃ અંદરથી પિસ્તોલ અને ૪ કારતૂસ તથા ૩ કરોડની ખંડણી માંગતો પત્ર મળતા દોડધામ

સીસીટીવી ફુટેજના આધારે પાર્સલ આપનારની શોધખોળઃ વેપારી પરિવારને સુરક્ષા અપાઇ

સુરતઃ અહીંના વેપારીને પાર્સલમાં પિસ્તોલ અને કારતુસ સાથે ૩ કરોડની ખંડણીનો ધમકીપત્ર મળતા ખળભળાટ મચી ગયો છે.

સુરતમાં ફરી એકવાર વેપારી પાસે ખંડણી માગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અને આ વખતે ખંડણીખોરે એક અલગ રીતે જ ખંડણી માગવાનો પ્રયાસ કર્યો છે. ખંડણીખોરે એક સગીરવયના છોકરા પાસે વેપારીને પાર્સલ મોકલ્યું હતું. અને તેમાં પિસ્તોલ અને કારતૂસ હતા. સાથે જ 3 કરોડની ખંડણી માગતો પત્ર પણ હતો. જે બાદ વેપારી દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

સુરતના રિંગરોડ પર શિવશક્તિ માર્કેટના વેપારીને એક 17 વર્ષીય કિશોર પાર્સલ આપીને જતો રહ્યો હતો. અજાણ્યું પાર્સલ આવતાં પહેલાં વેપારી પણ આશ્ચર્યમાં મુકાયો હતો. જો કે તેણે પાર્સલ ખોલતાં જ ચોંકી ઉઠ્યો હતો. કેમ કે, પાર્સલમાં એક પિસ્તોલ અને ચાર કારતૂસ હતી. અને સાથે હતો એક પત્ર. આ પત્રમાં 3 કરોડ કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. અને ખતમ કરી દેવાની ધમકી પણ અપાઈ હતી. સાથે જ પોલીસને જાણ ન કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

જો કે, વેપારીને સાંજે ખંડણીખોરનો ફોન પણ આવ્યો હતો. ફોન આવતાં જ વેપારીએ ખંડણીખોરની ધમકીને ગંભીરતાથી લીધી હતી. અને તાબડતોડ પોલીસ પાસે પહોંચી જઈને ફરિયાદ નોંધાવી હતી. 3 કરોડની ખંડણી માગવાનો કેસ આવતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ એલર્ટ થઈ ગયા હતા. આ મામલે પોલીસે વેપારી પરિવારને સુરક્ષા પુરી પાડી છે. અને સાથે જ ખંડણીખોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે સીસીટીવીમાં દેખાતા પાર્સલ આપનાર કિશોરની તપાસ પણ શરૂ કરી છે.

(6:50 pm IST)