Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થતા ઍરપોર્ટ ઉપર ટ્રાફિકમાં વધારોઃ અમદાવાદ ઍરપોર્ટ ઉપર ઍક જ મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોની અવરજવરમાં ૭૦ ટકા વધારો

મે મહિના કરતા જુન મહિનામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો થતા હવે ઍરપોર્ટ ઉપર યાત્રિકોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતાં હવે લોકો વ્યસ્ત થવા માંડ્યાં છે. લોકોના ધંધા રોજગાર ફરી શરૂ થતાં ટ્રાફિકમાં પણ વધારો થયો છે. તેવી જ રીતે એર ટ્રાફિક પણ ફરી વાર ધમધમવા માંડ્યો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે એક જ મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોની અવર જવરમાં 70 ટકા જેટલો વધારો નોંધાયો છે. કોરોનાની પહેલી લહેર બાદ એરપોર્ટ પર મુસાફરો પરત ફર્યા હતાં પરંતુ બીજી લહેર ખતરનાક સાબિત થતાં લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર મે મહિનામાં 1 લાખ 32 હજાર મુસાફરો જ્યારે જૂન મહિનામાં 2 લાખ 23 હજાર 400 મુસાફરોની અવર જવર નોંધાઈ હતી.

જૂન મહિનામાં કુલ 2 હજાર જેટલી ફ્લાઈટોની અવરજવર હતી. અમદાવાદ એરપોર્ટ પર જૂનમાં પ્રત્યેક ફ્લાઈટમાં સરેરાશ 103થી વધારે મુસાફરો હતાં. બીજી બાજુ મે મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી માત્ર 75 લોકોની જ અવરજવર નોંધાઈ હતી.અમદાવાદ એરપોર્ટ પરથી મે મહિનામાં 215 ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 7442 મુસાફરો જ્યારે જૂનમાં 212 ઈન્ટનેશનલ ફલાઈટમાં 9 હજાર 288 મુસાફરોની અવર જવર નોંધાઈ હતી. આ સ્થિતિએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સરેરાશ 35 જ્યારે જૂનમાં 43 મુસાફરો હતા. આમ, મે કરતાં જૂનમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સાધારણ વધારો નોંધાયો છે.

(6:48 pm IST)