Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રસ્‍તો ઓળંગતા સમયે મોબાઇલનો ઉપયોગ કરનાર માટે લાલબત્તી સમાન કિસ્‍સોઃ વડોદરામાં બસ નીચે કચડાઇ જતા યુવકનું મોત

વડોદરા: મોબાઈલમાં ખોવાયેલા રહેતા લોકો માટે વડોદરાનો આ કિસ્સો લાલબત્તી સમાન છે. લોકો મોબાઈલમા એવા વ્યસ્ત થઈ જાય છે કે, આગળ પાછળ શુ થઈ રહ્યુ છે તે પણ ભૂલાઈ જાય છે. મોબાઈલમાં વ્યસ્ત રહેલા એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. શોકિંગ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે રસ્તો ઓળંગતા સમયે મોબાઈલમાં ભાન ભૂલી ગયેલા યુવકને રસ્તા પર જ મોત મળ્યુ છે.
મોબાઈલમાં ખોવાયેલા યુવકને રસ્તા પર મોત મળ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના વાઘોડિયા વિસ્તારનો આ બનાવ છે. પીપળીયા ગામ પાસે ધીરજ હોસ્પિટલ આવેલી છે. મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી સચિન કશ્યપ નામનો યુવક ધીરજ હોસ્પિટલમાં કામ અર્થે આવ્યો હતો. તે હોસ્પિટલમાંથી રોડ ક્રોસ કરીને બહાર નીકળ્યો હતો. હોસ્પિટલની બહાર સચિન રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતો. તે મોબાઈલમાં એટલો ખોવાયેલો હતો કે, તે રસ્તો ક્રોસ કરી રહ્યો છે તે પણ ભૂલી ગયો હતો. તેણે રસ્તા પરથી પરથી પસાર થતા વાહનો પર ધ્યાન ન આપ્યું, અને મોબાઈલ પર વ્યસ્ત હતો. આ સમયે તેને નજર સામે આવેલી બસ રહેલી બસ પણ ન દેખાઈ. આખરે તે બસની નીચે કચડાયો હતો. ઘટના સ્થળે જ તેને મોત મળ્યુ હતું.
યુવક જે બસ નીચે કચડાયો હતો તે સિટી બસ હતી. પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. તેના બાદ બસ ચાલક હિરાભાઇ બારીયાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર ઘટના હોસ્પિટલના ગેટ પાસે લગાવેલા CCTVમાં કેદ થઇ ગઇ હતી. આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ બનાવને નરી આંખે જોનાર લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. પોલીસ પણ સીસીટીવીમાં યુવકની હરકત જોઈ શોક્ડ થઈ ગઈ હતી. કેવી રીતે મોબાઈલમાં ભાન ભૂલેલા શખ્સે પોતાનો જ જીવ ગુમાવ્યો હતો.

 

(5:21 pm IST)