Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

દાહોદમાં પહેલા હતા ૧ હજાર પારસી પરિવારો : હવે રહ્યા છે ફકત ૪

ફરદુનજી કાવસજી કોન્ટ્રેકટ ૧૯પપમાં સૌ પ્રથમ દાહોદ આવેલઃ દાહોદ નગરપાલીકાના પ્રથમ અધ્યક્ષ માણેકજી ફરદુનજી હતા : શહેરમાં હાલ એક પણ અગીયારી નથીઃ પારસીઓ મૃત્યુ બાદ શરીરને ગીધોને ખાવા માટે મૂકી દે છે

દાહોદ તા. ર૩: ગુજરાતના દાહોદ શહેરમાં પરેલમાં પારસી કોલોની વસેલ છે. પણ હવે અહીં એક પણ પારસી પરિવાર નથી. મધ્ય ગુજરાતના સૌથી મોટા આદીવાસી બહુમતિવાળા શહેરમાં પારસી પરિવારના ફકત ૪ પરિવાર છે. જેમાં કુલ ર૩ લોકો છે.

આ સમુદાયની સંખ્યા ભલે ઓછી હોય પણ દાહોદના વિકાસમાં મોટો ફાળો છે. અંગ્રેજોના શાસનકાળમાં અહીં ૧ હજારથી વધુ પારસી પરિવાર રહેતા હતા. પણ ૧૯૬૦ બાદથી વેપારના કારણે તેઓ દેશના અન્ય ભાગોમાં ચાલ્યા ગયા. ૧૯પપમાં ફરદુનજી કાવસજી કોન્ટ્રેકટર પહેલી વાર દાહોદ પહોંચ્યા હતા. ગોદી રોડ ઉપર તેમણે બંગલો બંધાવેલ. માણેકજી ફરદુનજી દાહોદ નગર પાલીકાના પ્રથમ અધ્યક્ષ હતા.

રેલ્વેના કોન્ટ્રાકટ પારસી લોકો પાસે હોવાને કારણે તેમનો માલ રાખવા માટે ગોડાઉન હોલને રેલ્વે સ્ટેશન પાસે હતો. બાદમાં તે જમીન રેલ્વેને એક રૂપિયાના ટોકન ભાવે દાનમાં આપી દીધેલ. ગોડાઉનના કારણે જ આ રોડનું નામ ગોદી રોડ પડેલ. ઇતિહાસમાં તેમનું યોગદાન ઐતિહાસિક રીતે નોંધાયું છે. બ્રીટીશ શાસનમાં રેલ્વે લાઇન પાથરવા સિવાય આ સમુદાયે અન્ય અનેક કાર્યોમાં પોતાનું યોગદાન આપેલ.

૯પ વર્ષીય ગજદી કોન્ટ્રેકટરે જણાવેલ કે પારસી સમુદાયના નામ સાથે દારૂવાલા અથવા કોન્ટ્રેકટ અટક જોડવાની વાત ખુબજ રસપ્રદ છે. વર્તમાનમાં દાહોદમાં એક પણ પારસી ધર્મસ્થાનક અગીયારી નથી. પારસીઓમાં દાનનું ખુબ જ મહત્વ છે. તેથી જ તેઓ મૃત્યુ પછી શરીરને ગીધો માટે ખાવા છોડી દે છે.

તેમણે વધુમાં જણાવેલ કે દાહોદમાં ૪ પારસી પરિવારો કોન્ટ્રેકટર, દારૂવાલા, ભેસાણીયા અને એલાવીયા છે. ર૬ લોકોના આ ૪ પરિવારો શિક્ષણ, ટ્રાન્સપોર્ટ અને ખેતી સાથે જોડાયેલા છે અને પરિવારનું ભરણપોષણ કરે છે.

(2:56 pm IST)