Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વડોદરાના મકરપુરા વિસ્તારમાં અગાશી પર સુવા ગયેલ પરિવારના ઘરને નિશાન બનાવી તસ્કરોએ 10 લાખના દાગીનાની ચોરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારની સોસાયટીમાં ઘરની છત પર પરિવારના સભ્યો ઊંઘવા ગયા હતા અને નીચે ચોરોએ બેડરૃમમાંથી રૃા.૧૦ લાખ કિંમતના દાગીના તેમજ રોકડ મળી કુલ રૃા.૧૦.૭૮ લાખની ચોરી કરતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે.

મકરપુરા ડેપો પાછળ આવેલી ઝવેરનગર સોસાયટીમાં રહેતા મનિષ પુરુષોત્તમ અગ્રવાલ ઝવેરનગરમાં જ શ્રી ખોડિયાર નામથી પાણીનો આરઓ પ્લાન્ટ ચલાવે છે તેમજ ફાર્માસ્યૂટિકલ ડિસ્ટ્રીબ્યૂટર તરીકે દવાઓના માર્કેટિંગનો વેપાર કરે છે. તા.૧૫ની રાત્રે તેઓ પરિવારના સભ્યો સાથે અગાસી પર ઊંઘવા માટે ગયા હતાં અને બીજા દિવસે સવારે પાંચ વાગે મનિષભાઇના પિતા નીચે આવ્યા ત્યારે ઘરની આગળની જાળીનું લોક તૂટેલું હતું જેથી તેમણે બૂમો મારતા ઘરના અન્ય સભ્યો પણ અગાસી પરથી નીચે દોડી આવ્યા  હતાં.

ઘરમાં તપાસ કરતા બેડરૃમની તિજોરીનો સામાન વેરવિખેર જણાયો હતો. તિજોરીમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ અંગે મનિષભાઇએ સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. બાદમાં પોલીસને જાણ કરતા મકરપુરા પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ શરૃ કરી હતી. રૃા.૧૦ લાખથી વધુ રકમની ચોરી થતાં સોસાયટીના રહિશોમાં ગભરાટ વ્યાપ્યો હતો.

(7:17 pm IST)