Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મહુધામાં પાંચ અબોલ પશુઓને કતલખાને લઇ જવાતા બચાવી પોલીસે 200 કિલો ગૌમાંસ જપ્ત કરતા ચકચાર મચી જવા પામ્યો

નડિયાદ : મહુધામાંથી પોલીસે પાંચ અબોલ પશુઓને કસાઇવાડેથી બચાવી લીધા છે. ઉપરાંત આ સાથે ૨૦૦ કિલો ગૌમાંસ પણ ઝડપી પાડયુ છે. આ મામલે કસાઇઓએ પોલીસ સાથે ઝપાઝપી કરતા આઠ શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. મહુધા તાલુકામાં કસાઇઓ બેફામ બન્યા હોય તેમ એક મહિનામાં બીજા વખત ગૌમાંસ પકડાતા ચકચાર મચી છે.

મહુધા પોલીસને ખાનગી બાતમી મળી હતી તે અનુસાર પોલીસે ગત્ રોજ મોડી રાત્રે શહેરના ચકલી વિસ્તારમાં રેડ પાડી હતી.જ્યાં મોહસીનહુસેન સિદ્દિકહુસેન કુરેશીના હસ્તકની બે ઓરડીમાંથી ગૌવંશ કતલ કરીને અંદાજે ૧૮૦ કિલો ગૌમાંસ કિંમત રૂા.૧૮,૦૦૦ ઝડપી પાડયું હતું. આ સાથે પોલીસે લોખંડની ત્રણ છરીઓ, માંસ કાપવા ઉપયોગમાં લેવાતા લાકડાના બે ટૂકડા,બે વજનના કાંટા મળી આવ્યા હતા. ઉપરાંત બીજા મકાનમાંથી ૨૦  કિલો માંસ, બે વાછરડા કિંમત રૂા.૪૦૦૦,એક ગાય કિંમત રૂા.૬૦૦૦, તથા બે પાડા કિંમત રૂા.૩૦૦૦ મળી કુલ ૩૩,૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

ઉપરાંત બીજા મકાનમાંથી ઝડપાયેલા બે વાછરડા, એક ગાય અને બે પાડાને ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલા હતા. જેમના માટે કોઇપણ જાતના ઘાસચારાની સગવડ વગર ટુંકા દોરડાથી ગળુ ટુંપાય એ રીતે કતલ કરવાના ઇરાદે બાંધી રાખ્યા હતા. વળી પોલીસની આ કામગીરીમાં રૂકાવટ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ બનાવમાં પોલીસે આઠ સિમો સલીમહુસેન ઉર્ફે બોખો કુરેશી,સમીરહુસેન ઉર્ફે કાલીયો કુરેશી, મોહસીનહુસેન કુરેશી, મહેબુબહુસેન કુરેશી,મુસ્તાકહુસેન ઉર્ફે મમુસો પલેડી,સાબીરહુસેન કુરેશી, સોકતહુસેન કુરેશી અને જાવેદહુસેન કુરેશી,તમામ રહે. મહુધા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(7:14 pm IST)