Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ગાંધીનગર નજીક સાસરિયાના ત્રાસથી કંટાળી 27 વર્ષીય પરિણીતાએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા મોટી આદરજ ગામમાં રહેતી ૨૭ વર્ષીય પરણીતાએ ગઈકાલે તેના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે મામલે તેના પિતાની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે પતિ સાસુ-સસરા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. છ વર્ષના લગ્નજીવન દરમિયાન પરિણીતાને દહેજ મામલે શારીરિક-માનસિક ત્રાસ મળતો હોવાની ફરિયાદ થવા પામી છે.

ગાંધીનગર શહેર નજીક પોર ગામમાં રહેતા ગાડાજી બાબાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની ૨૭ વર્ષીય પુત્રી પિંકલના લગ્ન છ વર્ષ અગાઉ મોટી આદરજ ગામે રહેતા રાયસંગજી ઠાકોરના દિકરા ગોવિંદજી સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. શરૃઆતમાં તેમનું લગ્નજીવન સુખેથી ચાલતું હતું અને પિંકલે ત્રણ વર્ષ અગાઉ એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. જોકે સાસુ કલિબેન દ્વારા અવાર-નવાર તેને કામ બાબતે મેણા ટોણા મારવામાં આવતા હતા. તો પાડોશમાં જ રહેતા કાકીસાસુ સજનબેન પ્રહલાદજી ઠાકોર દ્વારા પણ તેણીને નાની નાની બાબતમાં ઠપકો આપવામાં આવતો હતો. તો તેણીના પતિ ગોવિંદજી પણ નાની વાતમાં તકરાર કરી મારતા મારતા હતા. સસરા દ્વારા દીકરીને પિયરમાંથી તેના પતિ માટે કંઈક વસ્તુઓ લઈ આવવા પણ દબાણ કરવામાં આવતું હતું. જેના કારણે તે છ વખત પિયરમાં પણ આવી ગઈ હતી. ત્યારે ત્રણ દિવસ અગાઉ પણ પિંકલે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હવે આ લોકોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે અને મારાથી સહન થતું નથી જેથી હું આપઘાત કરી લઈશ. જોકે તેને સમજાવવામાં આવી હતી પરંતુ પતિ સહિતના સાસરીયાઓના ત્રાસથી કંટાળીને તેણે ગઈકાલે તેના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. હાલ તો આ મામલે પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે મથામણ શરૃ કરી છે.

(7:10 pm IST)