Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ગાંધીનગર:સોશિયલ મીડિયા મારફતે યુવાનો સાથે મિત્રતા કેળવી યુવતીઓદ્વારા છેતરપિંડી આચરવારમાં આવતા યુવાનને 37 હજાર ગુમાવવાની નોબત આવી

ગાંધીનગર :  છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા મારફતે યુવાનો સાથે મિત્રતા કેળવીને યુવતીઓ દ્વારા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર શહેરમાં વધુ એક યુવાન આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યો છે અને ૩૭,૦૦૦ રૃપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે હાલ તો સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરમાં રહેતા યુવાનને બે મહિના અગાઉ ઈન્સ્ટગ્રામ ઉપર એક યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. મૂળ યુકેમાં રહેતી હોવાની ઓળખ આપીને આ યુવતીએ યુવાન સાથે પ્રેમાલાપ શરૃ કર્યોહતો. ત્યારબાદ આ યુવતી ભારત આવવા માગે છે અને તે યુવાનને મળવા ગાંધીનગર આવશે તેવી લાલચ આપી હતી. યુવતીએ યુવાનને ગાંધીનગરમાં હોટલનો રૃમ બુક કરી દેવા પણ જણાવ્યું હતું. જેના પગલે યુવાને રૃમ બુક કરાવી દીધો હતો. આ યુવતીએ ફ્લાઇટની ટિકિટના ફોટા અને યુવાન માટે લીધેલી મોંઘીદાટ ઘડિયાળના ફોટા પણ મોકલી આપ્યા હતા. નક્કી થયા મુજબ યુવાન યુવતીને લેવા માટે અમદાવાદ એરપોર્ટ જવા માટે તૈયાર થયો હતો તે જ સમયે તેની ઉપર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ફોરેનર તમારી સાથે વાત કરવા માંગે છે. આ યુવતીએ યુવાનને કહ્યું હતું કે, તે મુંબઈ એરપોર્ટ પર ફસાઇ છે અને કસ્ટમ ક્લિયરન્સ મળતું નથી. તેની સાથે લાવવામાં આવેલી ગિફ્ટના ૩૭ હજાર રૃપિયા ભરવા પડશે. તેનું કાર્ડ લોક થઈ ગયું હોવાથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચીને રૃપિયા પરત આપી દેશે. જેના પગલે આ યુવાને ૩૭ હજાર રૃપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ યુવાન યુવતીને લેવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો પરંતુ તે આવી જ નહોતી. મોબાઈલ ઉપર તેનો સંપર્ક કરતાં બંધ આવતો હતો અને તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પણ બંધ હતા. જેથી યુવાન છેતરાયો હોવાનો અહેસાસ થતા આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ શરૃ કરી છે.

(7:10 pm IST)