Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કલોલ જીઆઈડીસીમાં ફાર્મ કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી

કલોલ :  કલોલ જીઆઇડીસીમાં આવેલ એક ફાર્મા કંપનીમાં સવારે આઠ વાગ્યે વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કેમિકલ ભરેલા બેરલ હોવાને કારણે જોતજોતામાં આગે મોટું સ્વરૃપ ધારણા કરી લીધું હતું. આગને બનાવને પગલે કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવતા તેમનો બચાવ થયો હતો. આશરે ૧૦ થી ૧૨ જેટલા ફાયર ફાઈટર કામે લાગ્યા હોવા છતાં આગ પર કાબુ મેળવતા નાકે દમ આવી ગયો હતો. ઘટનાને પગલે પ્રાંત અધિકારી,મામલતદાર,ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ જીઆઇડીસીમાં પહોંચી ગયા હતા.

કલોલ જીઆઇડીસીમાં બ્રાઈકેમ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની દવાની કંપની આવેલી છે. આ કંપની હોર્મોન્સ અને સ્ટીરોઈડ ઈન્જેક્શન માટે એપીઆઈનું ઉત્પાદન કરે છે. કોઈ અગમ્ય કારણોસર કંપનીમાં સવારે ૮ વાગ્યે વિકરાળ આગ ફાટી નીકળી હતી. જેને પગલે કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ ગઈ હતી. ફાર્મા કંપનીમાં સોલવન્ટના ભરેલા બેરલ સુધી આગ પહોંચતા જોખમી સ્વરૃપ ધારણ કર્યું હતું, એક પછી એક બેરલ આગની લપેટમાં આવતા જ ધડાકાભેર ફાટતા આગ વધી ગઈ હતી. બેરલ ફાટવાના અવાજને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.આગ સમયે કર્મચારીઓ બહાર દોડી આવતા કોઈ જાનહાની થઇ નહોતી. જોકે સમગ્ર ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગને પગલે છત ઉપર રહેલા પતરા પર વળી ગયા હતા. આગને પગલે કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર,પ્રાંત અધિકારી,મામલતદાર તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવે ત્યાં સુધી સમગ્ર ફેક્ટરીમાં આગ ફેલાઈ ગઈ હતી. વિકરાળ આગ હોવાથી ફાયર બ્રિગ્રેડે મેજર કોલ જાહેર કરવો પડયો હતો. જેને પગલે કલોલ,કડી,વિજાપુર,માણસા, ગાંધીનગર અને અમદાવાદથી ફાયર ફાઇટર્સ દોડી આવ્યા હતા. આ ઉપરાંત ઇફ્કો અને ઓએનજીસીના  ફાયર ફાઇટર્સને ઘટના સ્થળે બોલાવી આગ બુઝાવવાના કામે લગાવી દેવાયા હતા. ફાયર ફાઈટર્સે ૨૦થી વધુ ફેરા કરીને લાખો ગેલન પાણીનો મારો આગ પર ચલાવ્યો હતો.આશરે પાંચ કલાક બાદ આગ પર આંશિક કાબુ મેળવવામાં આવ્યો હતો. આગની ઘટનાને કારણે આસપાસની ફેક્ટરી માલિકો પણ ચિંતિત થઇ ગયા હતા. ફાર્મા કંપની ને અડીને આવેલ અન્ય એક કંપનીનું બોઇલર પણ નજીકમાં હોવાને કારણે તે પણ ઝપેટમાં આવે તે અગાઉ સાવધાની રાખી પાણીનો છંટકાવ ચાલુ રખાયો હતો.

(7:09 pm IST)