Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

દિલ્હી થી વડોદરા થઈ રાજપીપળા આવતા સાંસદ મનસુખભાઈનો મોબાઈલ ટ્રેનના ડબ્બામાંથી ચોરાતા સુરક્ષા બાબતે સવાલ ઉઠ્યા

સુરક્ષા વ્યવસ્થા સાથેનો અલાયદો ડબ્બો હોવા છતાં ફોન ચોરી કેવી રીતે થયો ?

  (ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભાજપના નેતા અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનો મોબાઈલ ફોન દિલ્હીથી વડોદરા ટ્રેનમાં આવતા વચ્ચે ક્યાંક ચોરાઈ ગયો હોવાની ઘટના બની છે. રેલવે ટ્રેનમાં સાંસદો માટે સુરક્ષા વ્યવસ્થા સાથેનો અલાયદો ડબ્બો હોવા છતાં ફોન ચોરી કેવી રીતે થયો , કોણે કર્યો એ પ્રશ્ન ઊભો થયો છે.જો કે મનસુખભાઈ વસાવાએ રેલવે બોર્ડને ફરિયાદ કરતા લોકેશન કોટા રાજસ્થાન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા વીવીઆઈપી કોચમાં દિલ્હીની વડોદરા આવી રહ્યાં હતાં એ દરમિયાન રાજસ્થાન આવતા તેમના કમ્પાર્ટમેન્ટ માંથી તેમનો સ્માર્ટ ફોન ચોરી થઇ ગયો હતો.સાંસદ મનસુખભાઈએ મોબાઈલ શોધ્યો પરંતુ તે મળ્યો નહિ એટલે એમણે રેલવેમાં હાજર સુરક્ષા ગાર્ડને ફરિયાદ કરી તો ગાર્ડ દ્વારા જરૂરી સંબંધિત આધિકારીઓનો સંપર્ક કરીને સાંસદની ફરિયાદ નોંધવામાં આવી હતી.તેમનો મોબાઈલ ટ્રેસ કરવામાં આવતા મોબાઈલનું છેલ્લું લોકેશન રાજસ્થાન કોટા બતાવતા સુરક્ષા ગાર્ડ દ્વારા કોટા રાજસ્થાનમાં આવેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની વાત કરી પરંતુ સાંસદે રાજસ્થાનમાં જઈને ફરિયાદ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું .

 અત્રે એ ઉલ્લેખનીય છે કે રેલવેમાં ફર્સ્ટ ક્લાસ કેટેગરીમાં વીવીઆઈપી સુવિધાઓ હોય છે , સુરક્ષા પણ એટલી હોય છે.સાથે સંસદ સભ્યોના ડબ્બામાં પણ સુરક્ષા હોવા છતાં પણ જો સાંસદ મનસુખભાઈ વસાવાનો મોબાઈલ ફોન ટ્રેન માંથી ચોરી થતો હોય તો એ આશ્ચર્યની વાત જરૂર કહેવાય.એ જોતા સામાન્ય ડબ્બાઓમાં ભીડમાં કેટલી ચોરીઓ થતી હશે . રેલવે વિભાગે આ ચોરીઓ પર અંકુશ લાવવા કોઈ એક્શન પ્લાન બનાવવો જરૂરી બન્યો છે

(10:42 pm IST)