Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

અમદાવાદમાં પ્રથમ વખત રામોલ પોલીસ મથકમાં ઓક્સિજન સહિતનો આઇસોલેશન રૂમ બનાવ્યા

ડોકટરો ત્રણ વખત વિઝીટ કરશે, નાસ્તા જમવા સહિતની તમામ વ્યવસ્થા કરાઈ

અમદાવાદ : શહેરમાં સૌ પ્રથમ વખત રામોલ પોલીસ સ્ટેશનમાં આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યો છે. 5 નોર્મલ આઇસોલેશન બેડ અને 2 ઓક્સિજન બેડ બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને પોલીસ કર્મીને કોરોનાની અસર થતા તે ઘરે આઇસોલેશનમાં ના રહી શકે તેથી તેને અહીં રાખવામાં આવશે. બીજી તરફ 2 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ હતી. દિવસ દરમિયાન ડોક્ટર 3 વખત વિઝીટ કરશે. જે પોલીસકર્મીઓ આઇસોલેશનમાં રહેશે તેમને નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવશે

શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ બગડી રહી છે. સામાન્ય લોકોને દાખલ થવા માટે હોસ્પિટલમાં જગ્યા નથી લોકોને ઓક્સિજન મળી રહ્યો નથી. તેવામાં શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે. રામોલ પીઆઇ કે એસ દવેએ ડોક્ટર અને લોકોનો સહયોગ મેળવી પોલીસ સ્ટેશન નજીક જ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.

 જે પણ પોલીસ કર્મીને કોરોનાની અસર થશે તેમને તાત્કાલિક સારવાર માટે આઇસોલેશન રૂમ માં રાખવામાં આવશે. તેમને જરૂરી દવા અને ડોક્ટર દ્વારા દિવસમાં ત્રણ વાર તપાસવામાં આવશે. આમ વધુ તકલીફ પડશે તો ઓક્સિજન વ્યવસ્થા કરવામાં આવી છે.

આમ વધુ તકલીફ પડશે તો તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પોલીસ માટે સૌ પ્રથમ વખત કોઈ પોલીસ સ્ટેશનમાં આવી વ્યવસ્થા થતા પોલીસ બેડામાં આનંદની લાગણી ફેલાઇ છે.

આ અંગે ઝોન 5 ના ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે, પહેલા બાપુનગર આઇસોલેશન રૂમ બનાવ્યો હતો જોકે પહેલીવાર ઓક્સિજન સહિત અન્ય સુવિધાઓ સાથે આ પ્રથમ વ્યવસ્થા પોલીસ માટે ગોઠવાઈ છે.

ગત કોરોના સીઝનમાં પોલીસ માટે અમુક હોસ્પિટલમાં અલગ બેડ રિઝર્વ કરવામાં આવ્યા હતા. જેતે સમયના ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ સિપિ અજય તોમરે વ્યવસ્થા ગોઠવી હતી જોકે આ વખતે શહેરમાં કોઈ અધિકારીએ વ્યવસ્થા ન કરતા પોલીસનું કોઈ રણીધણી થતું ન હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે. દાખલ પણ કરતા નથી તેથી આ વખતે પોલીસને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં પણ ગલ્લા તલાલ થઈ રહ્યા હોવાની ચર્ચા છે.

(11:14 pm IST)