Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કોરોનાના વધતા પ્રકોપથી રાજ્યના ઘણા શહેરોમાં જનતા કર્ફ્યુ જેવો માહોલ : રોડ-રસ્તાઓમાં ઓછો ટ્રાફિક: બજારો સુમસામ

કામ સિવાય ઘરની બહાર નિકળવાનું ટાળતા લોકો: ખરીદી કરવાથી માંડીને ધંધા-રોજગાર કરનારા પણ ચોક્કસ સમય માટે જ કામકાજ કરીને ઘરભેગા થઈ જાય છે

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે સતત વધતો જોવા મળી રહ્યો છે. રાજયમાં કોરોનાના વધી રહેલા કેસ પર નિયંત્રણ લાવવા માટે લોકો સ્વૌછિક લોકડાઉન પણ કરી રહ્યા છ. જો કે, ગુજરાતના ઘણા શહેરોમાં જનતા કફર્યું જેવા માહોલ જોવા મળી રહ્યો છે. લોકો કામ સિવાય ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.

ગુજરાતમાં રોજેરોજ વધતા જતા કોરોનાના કેસોની સાથે ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત અને દવા, ઇન્જેક્શનની પણ હાડમારી ઊભી થઇ રહી છે. કોરોનાના કેસોની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ડોક્ટરો પણ વારંવાર પ્રજાને અલર્ટ રહેવા સમજાવી રહ્યા છે, જેથી પ્રજા પણ એકદમ જાગ્રત થઇ ગઇ છે. ગુજરાતનાં શહેરો કે ગામડાંમાં હાલ પરિસ્થિતિ જુઓ તો એકલદોકલ લોકો જ બહાર ફરતા જોવા મળે છે. ખરીદી કરવાથી માંડીને ધંધા-રોજગાર કરનારા પણ ચોક્કસ સમય માટે જ કામકાજ કરીને ઘરભેગા થઈ જાય છે.

શહેરનાં રસ્તાઓ, બજારો અને ચાર રસ્તાઓ પણ દિવસ દરમિયાન ભેંકાર ભાસી રહ્યાં છે. જનતાની આ જાગૃતિને કારણે જાણે આખા ગુજરાતમાં જનતા કર્ફ્યૂ હોય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પણ ઘરની બહાર નીકળતાં નથી. મહિલાઓ અને યુવાનો પણ માત્ર ઘરનાં કામ પૂરતાં જ બહાર નીકળે છે. એ દરમિયાન પણ માસ્ક, ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર સાથે સંપૂર્ણ અલર્ટ છે, સાથે સાથે ઘરમાં કોઈ સામાન્ય બીમારી પણ આવે તો તત્કાળ સારવાર કરવા લાગે છે. તેમાં પણ ઘરના ઉપચાર કરીને બીમારીને ફેલાતી અટકાવી રહ્યા છે.

(8:23 pm IST)