Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

આજથી ઝાકળવર્ષાનો રાઉન્ડ પૂર્ણ, હવે આવતીકાલથી ફરી ઠંડીનો પારો ગગડશે

ગઈકાલ મધરાતે પણ રાજકોટ સહિત આજુબાજુના ગામોમાં જોરદાર ઝાકળ વર્ષા થઈ હતી : એવરેજ ૧૨ થી ૧૩ ડિગ્રી (અમુક વિસ્તારો સીંગલ ડીજીટમાં), દિવસનું તાપમાન ૨૭ ડીગ્રીની આજુબાજુ રહેશેઃ ૩૧મી સુધી ઠંડીની અસરઃ એન.ડી.ઉકાણી

રાજકોટ,તા.૨૩: છેલ્લા બે- ત્રણ દિવસથી વહેલી સવારે ઝાકળવર્ષા જોવા મળી રહી છે. હવે આજથી ધુમ્મસનો રાઉન્ડ પૂરો થયો છે. આવતીકાલથી ઠંડીમાં ક્રમશઃ વધારો જોવા મળશે. તેમ હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસપર્ટ શ્રી એન.ડી.ઉકાણીએ જણાવ્યું છે.

તેઓએ જણાવેલ કે આજે પણ સવારે ઝાકળવર્ષા જોવા મળેલ. ઉત્તરપ્રદેશના પહાડી વિસ્તારોમાં થયેલ બરફવર્ષાના પગલે સૌરાષ્ટ્રમાં આવતીકાલથી ફરી ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. અમુક વિસ્તારોમાં કોલ્ડવેવની મધ્યમ અસર જોવા મળશે.

આ વખતે ઠંડીનો રાઉન્ડ ૩૧મી જાન્યુઆરી સુધી રહેશે. સૌરાષ્ટ્રમાં એવરેજ ઠંડીનો પારો ૧૨ થી ૧૩ ડિગ્રી અને દિવસનું તાપમાન ૨૭ ડીગ્રી આજુબાજુ રહેશે. કોઈ- કોઈ વિસ્તારોમાં સીંગલ ડીજીટમાં તાપમાન જોવા મળે.

દરમિયાન રાજકોટ સહિતના આજુબાજુના વિસ્તારોમાં ગઈમોડી રાતે પણ ગાઢ ધુમ્મસ ભર્યુ વાતાવરણ સર્જાયેલ. ધુમ્મસના પગલે માર્ગો પણ ભીના થઈ ગયા હતા. આજે વહેલી સવારે પણ ઝાકળવર્ષા થઈ હતી. મોટરકારના કાચ ભીના જોવા મળતા હતા. આજે રાજકોટ શહેરમાં લઘુતમ તાપમાન ૧૪.૩ ડીગ્રી નોંધાયેલ.

સોમવારથી ઠંડીનો રાઉન્ડ

રાજકોટઃ હવામાન ખાતાએ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અરસથી ૨૫મીના સોમવારથી ઠંડીનો રાઉન્ડ આવશે. લઘુતમ તાપમાનમાં ૩ થી ૫ ડીગ્રીનો ઘટાડો જોવા મળશે. આવતીકાલે પણ સવારે ધુમ્મસની સંભાવના છે. ઠંડીનો મુખ્યત્વે રાઉન્ડ ૨૫ થી ૨૭મી સુધી રહેશે. જો કે ૧૫ ફેબ્રુઆરી સુધી ઠંડીમાં વધઘટ જોવા મળશે

(11:41 am IST)